ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જુલાઈ, 2021
સોમવાર
સ્કૂલના વિરોધમાં કોઈ પણ ફરિયાદ કરવી હોય તો એ 100 રૂપિયાના સ્ટૅમ્પ પેપર જ આપવી પડશે એવું વિચિત્ર ફરમાન મહારાષ્ટ્ર સ્કૂલ એજ્યુકેશ બોર્ડે બહાર પાડ્યું છે. નારાજ વાલીઓના સંગઠને એ બાબતે વિરોધ દર્શાવ્યો છે.
હાલમાં જ મહારાષ્ટ્ર સ્કૂલ એજ્યુકેશ બોર્ડના સેક્રેટરીએ નવો સર્ક્યુલર બહાર પાડ્યો છે, એ મુજબ કોઈ પણ શાળા વિરુદ્ધમાં ફરિયાદ કરવી હશે તો 25 ટકા વાલીઓએ 100 રૂપિયાના સ્ટૅમ્પ પેપર પર લખીને આપવું પડશે. ત્યાર બાદ સંબંધિત પ્રકરણ શુલ્ક નિર્ધારણ સમિતિ પાસે સુનાવણી માટે મોકલવામાં આવશે. એની સામે વાલીઓએ વાંધો ઉઠાવ્યો છે.
ઇન્ડિયા ઇટ પેરેન્ટ્સ ઍસોસિયેશનના કહેવા મુજબ 25 ટકા વાલીઓ પાસેથી સ્ટૅમ્પ પેપર પર અરજી માગનારા સેક્રેટરીએ અત્યાર સુધી કેટલી ખાનગી સ્કૂલના ઑડિટ કરાવીને માહિતી લીધી છે. મનફાવે એવી ફી વસૂલ કરનારી કેટલી સ્કૂલની માન્યતા તેઓએ અત્યાર સુધી રદ કરી છે? એની માહિતી તેઓ પહેલા અમને આપે. વાલીઓ સ્કૂલના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે, એ સ્કૂલ સામે સખત પગલાં લેવાને બદલે વાલીઓને આરોપીના પાંજરામાં મૂકીને તેમની પાસેથી સ્ટૅમ્પ પેપર પર અરજી મગાવે છે એની આકરી ટીકા પણ વાલીઓએ કરી હતી.