ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
કાંદિવલી પશ્ચિમ પોલીસે એક મોબાઇલ ચોરતી ટોળકીના બે સભ્યોની ધરપકડ કરી છે. આ બે વ્યક્તિ વયોવૃદ્ધ લોકોને હેરાન કરી બળજબરીપૂર્વક તેમના ઉપરના ખિસ્સામાંથી મોબાઇલ ચોરતી હતી. વૃદ્ધ પુરુષને એકલા જતા જોઈ એક વ્યક્તિ પહેલા વિવાદ ઊભો કરવાના હેતુસર વૃદ્ધને ધક્કો મારતો અને ત્યાર બાદ ઉગ્ર બોલાચાલી શરૂ કરતો અને તરત તેનો બીજો સાગરીત ત્યાં પહોંચી ઉપરના ખિસ્સામાંથી જબરદસ્તી મોબાઇલ કાઢીને છૂ થઈ જતો હતો.
આવી જ ઘટના ૬ જુલાઈના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે ૭૭ વર્ષના બાબુભાઈ ગોહિલ સાથે કાંદિવલીમાં બની હતી. તેમણે આ બાબતની ફરિયાદ કાંદિવલી પોલીસમાં નોંધાવી હતી. બાદમાં પોલીસે CCTV ફૂટેજના આધારે મલાડથી ૧૪ જુલાઈના રોજ બે શખસની ધરપકડ કરી હતી. આ બે આરોપીની ઓળખ કામરાજ જાવેદ સૈયદ (૨૪) અને ચાંદ ખાજા શેખ (૨૨) તરીકે કરવામાં આવી છે.
નાસાની આગાહી : આગામી સમયમાં ચંદ્ર ધરીપરથી ડગવાની શક્યતા; ધરતી પર આવશે ભયાનક પૂર, જાણો વિગત
પોલીસે આ બે શખસના ઘરની ઝડતી લીધી હતી અને તેમણે આ પ્રકારે ચોરેલા કુલ ૧૧ મોબાઇલ મળી આવ્યા હતા, જેની કિંમત પોલીસના જણાવ્યા અનુસાર ૧,૬૪,૦૦૦ જેટલી છે. આ ટોળકી બોરીવલી, કાંદિવલી અને ગોરેગાવમાં આ રીતે લૂંટ ચલાવતી હતી. પોલીસે કલમ ૩૭૧ હેઠળ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.