ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 જુલાઈ, 2021
ગુરુવાર
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અવારનવાર કોઈ ને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ વખતે અમિતાભ બચ્ચનના બંગલા પ્રતીક્ષાની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. આ પોસ્ટર પર ત્યાંથી પસાર થતી દરેક વ્યક્તિની નજર પડે છે. આ પોસ્ટર્સ રાજ ઠાકરેની પાર્ટી એટલે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ લગાવ્યાં છે.
ગઈ રાત્રે આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે. પોસ્ટરમાં અમિતાભને મોટું મન રાખવાની અપીલ કરવામાં આવી છે. હકીકતમાં આ પોસ્ટરના માધ્યમથી અપીલ કરવામાં આવી છે કે અહીંયાં જ્ઞાનેશ્વર રસ્તો પહોળો કરવામાં આવી રહ્યો છે અને એ માટે બિગ બીને મોટું દિલ રાખવાની તથા તંત્રની મદદ કરવાનું કહેવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા (BMC)એ રસ્તો પહોળો કરવા માટે અમિતાભ બચ્ચનને 2017માં નોટિસ ફટકારી હતી. એ સમયે અમિતાભ બચ્ચનના બંગલાની નજીકમાં આવેલા પ્લૉટની દીવાલ તોડી પાડવામાં આવી હતી, પરંતુ બિગ બીના બંગલાને કંઈ જ કરવામાં આવ્યું નહોતું. મહત્વપૂર્ણ છે કે અભિનેતા અમિતાભના બંગલા પ્રતીક્ષા આગળ રોડ એકદમ સાંકડો બની જાય છે. આ જ કારણે ત્યાં ટ્રાફિક જામ હોય છે. આ જ રોડ પર બે સ્કૂલ, એક હૉસ્પિટલ તથા ઇસ્કોન મંદિર હોવાની સાથે મુંબઈના અનેક સ્મારક પણ આસપાસમાં આવેલાં હોવાથી આ રોડ પર હેવી ટ્રાફિક રહે છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે BMCએ બિગ-બીને નોટિસ ફટકારી હતી ત્યારે તેઓ કોર્ટમાં ગયા અને આ જ કારણે કામ અટકી પડ્યું હતું. હવે કોર્ટે કામ કરવાની પરવાનગી આપી દીધી છે એટલે હવે BMC આ દીવાલ તોડવા માટે તૈયાર છે.