ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 જુલાઈ, 2021
બુધવાર
વધતા પ્રદૂષણને સમગ્ર વિશ્વને ખતરામાં મૂકી દીધું છે, ત્યારે મહારાષ્ટ્રમાં પ્રદૂષણ ઘટાડવા માટે મહારાષ્ટ્ર સરકારે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિક વિહિકલ પૉલિસી-2021 જાહેર કરી છે. એ મુજબ ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી કરનારાઓને ટૅક્સમાં રાહત આપવાથી લઈને અનેક પ્રકારનાં ઇન્સેન્ટિવ આપવામાં આવવાનાં છે તેમ જ આવતા વર્ષથી મહારાષ્ટ્રમાં હવે તમામ સરકારી વાહનો પણ ઈલેક્ટ્રિક હશે એવી જાહેરાત પણ તેમણે કરી છે.
મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિક વિહિકલ પૉલિસી-2021 ગ્રાહકો ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી કરે એ માટે તેમને ઇન્સેન્ટિવ આપવામાં આવશે, જેમાં ટૂ-વ્હીલર ખરીદનારાને 10,000 રૂપિયાનું, થ્રી વ્હીલર ખરીદનારે 30,000 રૂપિયા અને ફોર વ્હીલર ખરીદનારને દોઢ લાખ રૂપિયા સુધીનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. તો ઈ-બસ માટે 20 લાખ રૂપિયા સુધીનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે.
મુંબઈકરોને બેવડી માર! મુંબઈમાં સીએનજી અને ઘરેલૂ પાઈપલાઈન ગેસના ભાવમાં થયો આટલા રૂપિયાનો વધારો ; જાણો નવી કિંમત
એપ્રિલ 2022 સુધીમાં સરકારનાં તમામ નવાં વાહનો માલિકીનાં અથવા ભાડેથી હશે એ તમામ ઈલેક્ટ્રિક જ હશે એવી જાહેરાત પણ પર્યાવરણપ્રધાને કરી હતી. નવી પૉલિસી મુજબ તમામ ઈલેક્ટ્રિક વાહનોના વેચાણ પર સરકાર રોડ ટૅક્સમાં રાહત આપશે. એ સિવાય તમામ ઈલેક્ટ્રિક વાહનો આ પૉલિસી હેઠળ રજિસ્ટ્રેશન ચાર્જીસમાં પણ રાહત મેળવી શકશે.
આ વાહનો માટે 2025 સુધીમાં મોટા ભાગના હાઇ-વે પર ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરાશે, જેમાં નાગપુર-મુંબઈ સમુદ્રી કોરીડૉર , મુંબઈ-પુણે એક્સપ્રેસવે, મુંબઈ-નાશિક અને નાશિક-પુણે હાઈવેનો સમાવેશ થાય છે.