ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 જુલાઈ 2021
મંગળવાર
મુંબઈ મહાનગરપાલિકા રશિયાની સ્પૂતનિક 5 વેક્સિન મેળવવા માટે લાંબા સમયથી ફાંફાં મારી રહી છે. ભારે પ્રયાસ બાદ પણ હજી સુધી તે આ વેક્સિન મેળવી શકી નથી. એની સામે મુંબઈની અમુક ખાનગી હૉસ્પિટલોમાં સ્પૂતનિક 5 વેક્સિન આપવાનું ચાલુ થઈ ગયું છે.
પાલિકાનું રેઢિયાળ તંત્ર ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું છે. મુંબઈમાં અત્યાર સુધી 61,15,929 લોકોને વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. એમાં પહેલો અને બીજો ડોઝ લેનારા બંનેનો સમાવેશ થાય છે. હાલ મુંબઈમાં સરકારી તથા પાલિકાના વેક્સિનેશન સેન્ટર પર કોવિશીલ્ડ અને કોવેક્સિન આપવામાં આવી રહી છે. અમુક ખાનગી હૉસ્પિટલમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનની સાથે જ સ્પૂતનિક 5 વેક્સિન પણ આપવામાં આવી રહી છે. અત્યાર સુધી મુંબઈમાં સ્પૂતનિકના 4,939 ડોઝ આપવામાં આવ્યા છે. આ તમામ ડોઝ ખાનગી હૉસ્પિટલમાં જ આપવામાં આવ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાએ મોટા પાયા પર સ્પૂતનિક વેક્સિન મેળવવા માટે વૈશ્વિક સ્તરે ટેન્ડર બહાર પાડ્યાં હતાં. પાલિકા લગભગ 1 કરોડ સ્પૂતનિક વેક્સિન લેવાના પ્રયાસમાં હતી. તેમના ટેન્ડર બહાર પાડ્યાં બાદ 9 કંપનીઓ આગળ આવી હતી. પાલિકાએ મોટા પાયા પર જૂન મહિનામાં તેમને સ્પૂતનિક વેક્સિન મળી જશે અને તેઓ લોકોને આ વેક્સિન આપવાનું ચાલુ કરી દેશે એવી જાહેરાત કરી હતી. જોકે ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ચાલી રહેલી સ્ક્રૂટિનીમાં તમામ કંપનીઓ નિષ્ફળ ગઈ હતી. એક પણ કંપની સીધી રીતે સ્પૂતનિકનું ઉત્પાદન કરનારી કંપની સાથે જોડાયેલી નહોતી. એથી પાલિકાના વૈશ્વિક ટેન્ડરનું સુરસુરિયું થઈ ગયું હતું.
પાલિકા હજી સુધી સ્પૂતનિક મેળવી શકી નથી. એની સામે મુંબઈમાં ખાનગી હૉસ્પિટલોમાં સ્પૂતનિક આપવામાં આવી રહી છે, તો પાલિકાને કેમ સ્પૂતનિક નથી મળી રહી? એવો સવાલ કરવામાં આવતાં પાલિકાના આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યુ હતું કે પાલિકા સરકારી સંસ્થા ગણાય છે. તમામ નિયમ અને કાયદા હેઠળ તેણે ટેન્ડરિંગ પ્રક્રિયા વગેરે પૂર્ણ કરીને જ વેક્સિન ખરીદી શકે છે. માર્કેટથી એ ઊંચા ભાવે મનફાવે એમ વેક્સિન ખરીદી શકતી નથી. એની સામે ખાનગી હૉસ્પિટલો માર્કેટથી ઊંચા ભાવે વેક્સિન ખરીદીને એ નાગરિકોને ઊંચા ભાવે આપી શકે છે. સ્પૂતનિક વેક્સિન ખરીદવા માટે રશિયાની ઉત્પાદક કંપની સાથે પાલિકાની ચર્ચા ચાલી રહી છે. આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેવાશે.