ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 જુલાઈ 2021
સોમવાર
મુંબઈમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ સતત ઘટી રહ્યો છે. છતા મુંબઈમાં ચાલુ રાખવામાં આવેલા લેવલ 3ના પ્રતિબંધોને કારણે વેપારીઓ હવે વીફરી ગયા છે. મહારાષ્ટ્ર સરકારે હવે નિયંત્રણો હળવા નહીં કર્યા તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી વેપારી આલમે ઉચ્ચારી છે.
મુંબઈનો પોઝિટિવિટી રેટ ઘટીને 2 ટકાથી નીચે આવી ગયો છે. સરકારની અગાઉની ગાઈડલાઈન મુજબ મુંબઈમાં લેવલ 1 અને લેવલ 2ની રાહત આપવી જોઈએ. તેના બદલે મુંબઈમાં લેવલ 3ના પ્રતિબંધો કાયમ રાખવામાં આવ્યા છે. વીકડેમાં ફકત સાંજના ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની તથા વીકએન્ડમાં દુકાનો બંધ રાખવાને કારણે વેપારીઓને પારવાર નુકશાન થઈ રહ્યું છે. વેપારીઓને કોઈ રાહત આપવામાં આવી નથી. સરકાર દ્વારા સતત થઈ રહેલા સતામણીના વિરોધમાં દાદરમાં વેપારીઓએ વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. સરકારે વેપારીઓના હિતમાં કોઈ પગલાં નહીં લીધા તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી ચોખ્ખા શબ્દોમાં વેપારીઓએ મહારાષ્ટ્ર સરકારને ધમકી પણ આપી છે.
ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલફેર અસોસિયેશનના (FRTWA)ના અધ્યક્ષ વિરેન શાહે કહ્યું હતું કે પ્રતિબંધો ફકત દુકાનદાર, વેપારીવર્ગ માટે છે. વીકએન્ડમાં લોકો બિન્દાસ માથેરાન, મહાબળેશ્ર્વર ફરવા નીકળી પડે છે. તો પછી દુકાનદારોને કેમ વીકએન્ડમાં દુકાનો બંધ રાખવાનું કહેવામાં આવે છે. દુકાનમાં કામ કરનારા કર્મચારીના પગાર, દુકાન ચલાવવાનો ખર્ચ, જુદા જુદા વેરા જેવા અનેક ખર્ચાઓ ફકત પાંચ દિવસ દુકાન ચલાવીને ભરી શકાતા નથી. ફકત ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાને કારણે વેપારીઓને કોઈ ફાયદો નથી. નોકરિયાત વર્ગ કામ પરથી સાંજે છૂટે ત્યારે જ તે ખરીદી કરે છે. ચાર વાગે દુકાન બંધ થઈ જવાથી તે વ્યક્તિ કયા ખરીદી કરવા જશે. હવે સરકારે વેપારીઓના હિતમાં વિચાર નહીં કર્યો તો ચૂંટણીનો બહિષ્કાર કર્યા સિવાય વેપારી પાસે બીજો કોઈ પર્યાય બાકી બચ્યો નથી.