ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જુલાઈ ૨૦૨૧
શનિવાર
મહારાષ્ટ્રમાં અન્ય પછાત વર્ગ (OBC)ને ચૂંટણીમાં આરક્ષણ આપવાનો મામલો ફરી ગરમાયો છે. આજે મુંબઈ ભાજપના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાના નેતૃત્વ હેઠળ ફરી આંદોલન કર્યું હતું. પાલિકા અને ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગને ૨૭% આરક્ષણ આપવાના મામલે ભાજપે આજે દાદરમાં આંદોલન કર્યું હતું.
આ અંગે મંગલ પ્રભાત લોઢાએ મીડિયાને જણાવ્યું હતું કે “ઓબીસી સમાજના લોકોને ન્યાય અપાવવા માટેના આંદોલનનો ફેઝ-૨ આજે શરૂ થયો છે. હવે જ્યાં સુધી OBC સમાજને આરક્ષણ નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.” તેમણે ઉમેર્યું હતું કે આ આંદોલનને સફળતા મળી છે અને મહારાષ્ટ્રમાં સ્થાનિક પ્રશાસનની ચૂંટણીઓ લંબાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભાના ચોમાસું સત્રમાં પણ આ મામલે મોટો હોબાળો થયો હતો. OBC આરક્ષણ મામલે જ્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે ભાજપના ધારાસભ્યો આક્રમક થયા હતા અને તેમના દુર્વ્યવહાર બદલ ભાજપના ૧૨ ધારાસભ્યોને એક વર્ષ માટે નિલંબિત પણ કરવામાં આવ્યા હતા.