ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૮ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
કૉન્ગ્રેસના નેતા દિગ્વિજય સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના DNAવાળા નિવેદનની ઠેકડી ઉડાવી છે. દિગ્વિજયસિંહે મોહન ભાગવત પર નિશાન સાધ્યું છે અને પૂછ્યું છે કે જો હિન્દુઓ અને મુસ્લિમોના DNA એક સમાન છે, તો એ મુજબ મોહન ભાગવત અને ઓવૈસીના DNA પણ એક સમાન હશે.
હકીકતે અગાઉ RSSના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે ભારતમાં રહેતા તમામ લોકોના DNA સમાન છે, ભલે તે કોઈ પણ ધર્મના હોય. મોહન ભાગવતના આ નિવેદન પર દિગ્વિજયસિંહે મધ્યપ્રદેશના સિહોરમાં તેની ફીરકી લીધી હતી અને કહ્યું હતું કે જો હિન્દુઓ અને મુસ્લિમોના DNA સમાન છે, તો પછી ધર્માંતર અને લવ જીહાદ વિરુદ્ધ કાયદો ઘડવાનો અર્થ શું છે?
ઉલ્લેખનીય છે કે મોહન ભાગવતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશમાં હિન્દુ-મુસ્લિમ એકતા ભ્રામક છે, કારણ કે એ જુદા નથી, પરંતુ એક જ છે. લોકો જેની પૂજા કરે છે તેના આધારે લોકોમાં ભેદભાવ કરી શકાય નહિ. તમામ ભારતીયોના DNA તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન છે. આ અંગે દિગ્વિજય સિંહે મોહન ભાગવતની ઠેકડી ઉડાવી હતી.