ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જુલાઈ 2021
ગુરુવાર
શિવસેના તથા કૉન્ગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જનારા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેને આખરે ફળ મળ્યું છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ તેમને કેન્દ્રીય પ્રધાનપદ આપવામાં આવ્યું છે. નારાયણ રાણેને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન મળવાની સાથે જ ભાજપ અને શિવસેના વચ્ચેની લડાઈ હવે રસ્તા પર જોવા મળે એવી શક્યતા છે. નારાયણ રાણે શિવસેનાને કોંકણમાં જ નહીં, પણ મરાઠા આરક્ષણથી લઈને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ અસર કરી શકે છે એવું રાજકીય નિષ્ણાતોનું માનવું છે. નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેનો ખટરાગ જાણીતો છે. એમાં રાણેને ભાજપે કેન્દ્રીય પ્રધાનપદ આપ્યું હોવાથી શિવસેના નારાજ થઈ છે. હવે નજીકના ભવિષ્યમાં પણ ભાજપ-શિવસેના વચ્ચે યુતિ થાય એવી શક્યતા જણાતી નથી.
ભાજપના આ નિર્ણયને કારણે કોંકણમાં શિવસેનાના ગઢમાં ગાબડું પડવાની શક્યતા છે. કારણ કે કોંકણમાં નારાયણ રાણે વગદાર નેતા ગણાય છે, તો આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે. ભાજપ ફક્ત ગુજરાતી મત પર આધાર નહીં રાખતાં મરાઠી માણુસના મત પણ પોતાની તરફ કરવાનો ઇરાદો ધરાવે છે. શિવસેના સામે લડવા હવે ભાજપે મરાઠા નેતા નારાયણ રાણેને કેન્દ્રીય પ્રધાનપદ આપીને મરાઠા મત પોતાના તરફ કરવાની યોજના રાખતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રસ્તા પર મરાઠી વર્સિસ મરાઠીની ફાઇટ જોવા મળી શકે છે.
નારાયણ રાણેનો કોંકણમાં જબરો પ્રભાવ છે. શિવસેનાને કોંકણમાં તો નુકસાન થવાની શક્યતા છે, સાથે જ હાલ મહારાષ્ટ્રમાં મરાઠા અને અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ના આરક્ષણનો મુદ્દો ગરમ છે, એનો ફાયદો ભાજપ નારાયણ રાણેના માધ્યમથી ઉઠાવવા માગતી હોવાનું કહેવાય છે. મહાવિકાસ આઘાડીની રાજ્ય સરકારે મરાઠા આરક્ષણને મુદ્દે મળેલી નિષ્ફળતા માટે કેન્દ્ર સરકાર પર દોષ ઢોળીને પોતાના હાથ ઉપર કરી દીધા છે. એથી મરાઠા નેતા નારાયણ રાણેના માથા પર મરાઠા આરક્ષણનો મુદ્દો સૉલ્વ કરવાની જવાબદારી કેન્દ્ર સરકાર નાખવા માગે છે.
અહીં ઉલ્લેખનીય છે કે નારાયણ રાણે અગાઉ કૉન્ગ્રેસ-NCPની સરકારમાં મરાઠા આરક્ષણ સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓએ જ પૃથ્વીરાજ ચવ્હાણ જ્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે રાજ્યમાં મરાઠા અને OBC સમાજનો અભિપ્રાય લઈને મરાઠા સમાજને 16 ટકા આરક્ષણ આપવાની ભલામણ કરી હતી. હાલ જોકે કોર્ટે આ આરક્ષણ રદ કરી નાખ્યું છે. એથી આ મુદ્દો અટવાઈ પડ્યો છે, જે રાજ્ય સરકાર જ નહીં પણ કેન્દ્ર સરકાર માટે પણ માથાનો દુખાવો બની ગયો છે. એથી નારાયણ રાણે આ મુદ્દે ભાજપને ઉપયોગી સાબિત થઈ શકે છે. એ સિવાય કોંકણનો વિવાદસ્પદ નાણારના પ્રેટો કેમિકલ પ્રોજેક્ટને મુદ્દે પણ નારાયણ રાણે ઉદ્ધવ સરકારને નડી શકે છે એવી શક્યતા છે.