ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જુલાઈ 2021
શનિવાર
ઍરકન્ડિશન્ડ લોકલ ટ્રેનના ઊંચાં ભાડાંને કારણે સામાન્ય મુંબઈગરાએ AC લોકલ ટ્રેનથી મોઢાં ફેરવી લીધાં હતાં. હાલ પશ્ચિમ રેલવે પાસે 9 અને મધ્ય રેલવે પાસે 4 એમ કુલ 13 AC લોકલ રેલવે પાસે છે. જોકે એમાંથી મોટા ભાગની AC રેક કારશેડમાં ધૂળ ખાઈ રહી છે.
રેલવે પ્રશાસન AC ટ્રેનને ફરી પાટે દોડાવવા માટે 15 જૂનથી ઑનલાઇન સર્વેક્ષણ કરી રહી છે. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ અને પ્રવાસી સંગઠનોને પોતાનો મત નોંધાવાની રેલવેએ વિનંતી કરી છે.
હાલ કોરોનાને પગલે સામાન્ય નાગરિકો માટે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ છે. છતાં રેલવેના ઑનલાઇન સર્વેક્ષણમાં અત્યાર સુધી મળેલા મત મુજબ મોટા ભાગના પ્રવાસીઓએ AC ટ્રેનમાં પ્રવાસ કરવાની તૈયાર બતાવી છે, પરંતુ એ માટે AC ટ્રેનના ભાડામાં ઘટાડો કરવાની માગણી કરી છે. પ્રવાસીઓએ ફર્સ્ટ ક્લાસના ભાડાથી 10 ટકા સુધીનો વધારો હોય તો એ ચૂકવવાની તૈયારી દર્શાવી છે. અહીં ઉલ્લેખનીય છે કે હાલ AC લોકલનું ભાડું 1.3 ગણુ વધારે છે. એ સિવાય પ્રવાસીઓએ પિક અવર્સમાં આખી AC લોકલ ટ્રેન દોડાવવાને બદલે સાદી ટ્રેનમાં ફકત 3 ACના ડબ્બા રાખવાની માગણી કરી છે.