ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 જૂન 2021
બુધવાર
સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણી નજીક આવવાની સાથે જ મહારાષ્ટ્રમાં પૉલિટિકલ રાજકીય કાવાદાવા ચાલુ થઈ ગયા છે. વર્ષોથી પુણેની આજુબાજુ આવેલાં ગામોને પુણે મહાનગરપાલિકામાં જોડવાની માગણી પ્રલંબિત હતી. છેવટે તેને મંજૂરી મળી ગઈ છે.
હાલમાં જ મહારાષ્ટ્રના નાયબ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અગ્રણી નેતા અજિત પવારે પુણેમાં એક બેઠક કરી હતી. આ બેઠક બાદ તેમણે વર્ષોથી થઈ રહેલી માગણીને મંજૂરી આપી હતી. પુણેની આજુબાજુનાં 23 ગામોને છેલ્લાં અનેક વર્ષોથી પુણે મહાનગરપાલિકામાં ભેળવી નાખવાની માગણી થઈ રહી હતી, જે વર્ષોથી આગળ વધી નહોતી. જોકે હાલમાં જ આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે.
ગયા વર્ષે રાજ્ય સરકારે પુણે મહાનગરપાલિકામાં આ 23 ગામોના સમાવેશ માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ત્યાર બાદ 19 અને 20 એપ્રિલ, 2021ના રોજ એના પર સલાહ અને સૂચનો લેવામાં આવ્યાં હતાં. હવે સરકારે તેને મંજૂરી આપી દીધી છે.
એથી પુણે મહાનગરપાલિકામાં આજુબાજુનાં 23 ગામોનો સમાવેશ થઈ જશે. આ નિર્ણય અમલમાં આવવાની સાથે જ પુણે મહાનગરપાલિકા મહારાષ્ટ્રની ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટું કૉર્પોરેશન બનવાનું માન મળી ગયું છે.
શરમજનક! પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાની તપાસ કરતી ટીમ પર હિંસક હુમલો, જાણો વિગત
સૂત્રોના કહેવા મુજબ આ ગામમાં રાષ્ટ્રવાદીનું વર્ચસ્વ હોવાનું કહેવાય છે. એથી જો ગ્રામવાસીઓની વર્ષો જૂની માગણી પૂરી થઈ જાય તો તેમનો વોટ બહુ મહત્ત્વનો સાબિત થઈ શકે છે. શહેરોની જો વોટિંગ પેટર્ન બદલાઈ જાય તો ચૂંટણીમાં તેની મોટા પ્રમાણમાં અસર થઈ શકે છે. એટલે જ આ નિર્ણય પાછળ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે રાજ્યમાં આગામી સમયમાં થનારી પાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ચાલ રમી હોવાનું અંદરખાને ચર્ચાઈ રહ્યું છે.