ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧
બુધવાર
દહાણુના ઓસારવીર-માનકરપાડા ગામમાં સોમવારે મોડી સાંજે એક ઝાડની ટોચ પર ચઢી મોબાઇલ નેટવર્ક મેળવવાનો પ્રયાસ કરતી વખતે વીજળી પડતાં એક 17 વર્ષીય છોકરાનું મૃત્યુ થયું હતું. રવિન બચુ કોરડા, વીજળીના આંચકાને કારણે સંતુલન ગુમાવતાં ઝાડ પરથી નીચે પડી ગયો હતો. તેના અન્ય ત્રણ મિત્રોને પણ નીચે પટકાતાં ફ્રૅક્ચર થયું છે. કસાની સરકારી હૉસ્પિટલમાં બે છોકરાઓને દાખલ કરાયા છે, જ્યારે ત્રીજા એક છોકરાને ધૂંડલવાડીની વેદાંત હૉસ્પિટલમાં દાખલ કરાયો છે.
ઘાયલોની ઓળખ મેહુલ અનિલ માનકર ૧૪, દીપેશ સંદીપ કોરડા ૧૪ અને ચેતન મોહન કોરડા ૧૩ તરીકે કરવામાં આવી છે. દહાણુમાં તહસીલદાર રાહુલ સારંગે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “અમે પીડિતાને વળતર આપવાની બાબતે પરિસ્થિતિનું વિશ્લેષણ કરી રહ્યા છીએ, પરંતુ તાજેતરના સરકારી ઠરાવ મુજબ, જો આ વિસ્તારમાં 65 મિમીથી વધુ વરસાદ પડે તો જ વળતર આપી શકીએ છીએ. જોકેસોમવારે આ વિસ્તારમાં એટલો વરસાદ થયો ન હતો અને એથી, અમે વળતરના દાવા માટેની પરિસ્થિતિનો અભ્યાસ કરી રહ્યા છીએ. મારી ટીમ આ સંદર્ભે ગામમાં છે અને અહેવાલ બાદ નિર્ણય લેવાશે.”
ઉલ્લેખનીય છે કે દહાણુના પાડામાં આવેલા અનેક ગામમાં મોબાઇલ નેટવર્ક અને વીજળી ખૂબ મોટી સમસ્યા છે. ગામોના રહેવાસીઓ તેમના મોબાઇલ હૅન્ડસેટ્સ પર સિગ્નલ મેળવવા માટે સાગના ઝાડ પર ચઢે છે. એક રહેવાસી વસંત ભોઇરે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે, "અમારી ગ્રામપંચાયતોએ મોબાઇલ ટાવર બનાવીને નેટવર્ક સુધારવા માટે તમામ સર્વિસ પ્રોવાઇડર્સને પત્રો લખ્યા છે, પરંતુ તેમની તરફથી કોઈ સકારાત્મક જવાબ મળ્યો નથી."