ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧
મંગળવાર
મુંબઈની વધતી વસતીની પાણીની જરૂરિયાને પહોંચી વળવા માટે મહારાષ્ટ્ર સરકારે દરિયાના પાણીને પીવાલાયક બનાવાની યોજના બનાવી છે. સોમવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મલાડના મનોરીમાં દરિયાના પાણીને પીવાલાયક બનાવવા માટેના ડીસાલીનેશન પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. 2025ની સાલ સુધી તૈયાર થનારા આ પ્રોજેક્ટ પાછળ અધધ ખર્ચ થવાનો હોવાથી આ પ્રોજેક્ટની અત્યારથી ટીકા થઈ રહી છે.
મલાડના મનોરીમાં દરિયા કિનારા પાસે 30 એકરના પ્લોટમાં 1,600 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પૂરા પ્રોજેક્ટને તૈયાર થતા ચાર વર્ષનો સમય લાગવાનો છે. આ પ્રોજેક્ટની ક્ષમતા પ્રતિદિન 200 મિલિયન લિટર પર ડે એટલે કે 20 કરોડ લિટર પાણીની હશે. ભવિષ્યમાં તેની ક્ષમતા 40 કરોડ લિટર સુધી લઈ જવામાં આવશે. મુંબઈ મહાનગરપાલિકા અને ઈઝરાયેલ સ્થિત એક કંપની સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.