ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧
સોમવાર
ભાજપના પ્રદેશપ્રમુખ ચંદ્રકાંત પાટીલ દ્વારા મીરા-ભાઈંદર ભાજપના જિલ્લાપ્રમુખ તરીકે રવિ વ્યાસની નિમણૂક થતાં ભૂતપૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા અને તેમના સમર્થકોએ તેમની સામે મોરચો ખોલ્યો છે. વ્યાસની નિમણૂક પર પુનર્વિચાર કરવા મહેતાના સમર્થકો દ્વારા અપાયેલી બે દિવસીય સમયમર્યાદા રાજ્યના નેતૃત્વ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
ગયા વર્ષે ભાજપના મહેતાએ એક વીડિયોમાં જાહેરાત કરી હતી કે તેઓ ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપીને રાજકારણથી દૂર જતા રહેશે. જોકેમાનવામાં આવે છે કે મહેતાએ તેમની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ અને તેની વીડિયો ક્લિપના વાયરલ થવાને પગલે આ ભૂમિકા લેવી પડી હતી. ભાજપના જિલ્લાપ્રમુખ તરીકે હેમંત મ્હાત્રેની ફરીથી નિમણૂક થયા પછી પણ મહેતા અને તેમના સમર્થકોએ તેની વિરુદ્ધ આ જ વલણ અપનાવ્યું હતું.
હવે જ્યારે પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે જિલ્લાપ્રમુખપદ કૉર્પોરેટર રવિ વ્યાસને સોંપ્યું ત્યારે તેમણે સીધા પક્ષના નેતૃત્વને પડકાર્યું છે. કોઈની સહમતી વગર વ્યાસની નિમણૂક કરવાનો આરોપ લગાવી મહેતા અને તેમના સમર્થકોએ હવે મોરચો બનાવ્યો છે. વ્યાસની નિમણૂક પર બે દિવસમાં ફેરવિચારણા કરવી જોઈએ, નહીં તો મહેતાના સમર્થકોએ આગળની દિશા નક્કી કરવાની ચીમકી પણ આપી હતી.