ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧
સોમવાર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તાજેતરમાં જ તેમના વતન કાનપુર પહોંચ્યા છે. કાનપુરની આ મુલાકાત દરમિયાન એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ પોતાના પગારની હકીકત કહી છે. કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે “મને દર મહિને પાંચ લાખ પગાર મળે છે, જેમાંથી તે પોણાત્રણ લાખ ટૅક્સમાં જતો રહે છે.” તેમના કરતાં વધુ બચત એક શિક્ષકની છે. એવું પણ નિવેદન તેમણે આપ્યું હતું.
રાષ્ટ્રપતિ કોવિંદ ત્રણ દિવસની ઉત્તર પ્રદેશની મુલાકાત પર શુક્રવારે ઝિંઝક શહેરમાં એક સ્ટૉપઓવર દરમિયાન આ ટિપ્પણી કરી હતી. ઝિંઝક રાષ્ટ્રપતિના જન્મસ્થળની નજીક આવેલું છે. દરમિયાન ઝિંઝક રેલવે સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ લોકોને રાષ્ટ્રની ફરજરૂપે કર ચૂકવવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે “કોઈક વાર ગુસ્સામાં જો ગાડી કોઈ ચોક્કસ રેલવે સ્ટેશન પર ન રોકાય તો આપણે તેને બળજબરીથી રોકીએ છીએ. જો કોઈ ટ્રેનમાં આગ લગાડવામાં આવે છે તો આ કોનું નુકસાન છે? લોકો કહે છે કે એ સરકારી સંપત્તિ છે. કરદાતાના પૈસા છે.”
ઉલ્લેખનીય છે કે તેમણે નિખાલસ રીતે ઉમેર્યું હતું કે “હું આનો ઉલ્લેખ એટલા માટે કરી રહ્યો છું કારણ કે રાષ્ટ્રપતિ દેશનો સૌથી વધુ વેતન મેળવતો કર્મચારી છે, પરંતુ તે ટૅક્સ પણ ચૂકવે છે. હું દર મહિને 2.75 લાખ ટૅક્સ ચૂકવું છું. લોકો કહે છે કે મને મહિને ₹ 5 લાખ મળે છે, પરંતુ તેના પર પણ ટૅક્સ વસૂલવામાં આવે છે.” રાષ્ટ્રપતિના આવા નિવેદનથી લોકો ઉત્સાહિત થઈ ગયા હતા, પરંતુ સાથે જ આખા દેશમાં આ વિશે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.