ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧
શનિવાર
સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગ (OBC)ના આરક્ષણ મુદ્દે ભાજપ હવે આક્રમક થયું છે. આજે ભાજપs રાજ્યસ્તરે આ મામલે ઠેરઠેર ચક્કાજામ આંદોલન કર્યું હતું. રાજ્યનાં કુલ ૧,૦૦૦ ઠેકાણે આ આંદોલન થયું હતું. પાલિકા અને ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગને ૨૭% આરક્ષણ આપવા અંગે આજે ભાજપે મોટું આંદોલન કર્યું હતું.
હકીકતે સુપ્રીમ કોર્ટેના અવલોકન અનુસાર સ્થાનિક સંસ્થાઓમાં OBCની તરફેણમાં અનામત ક્વોટામાં 50 ટકાના આરક્ષણ ક્વોટાને વટાવી ન શકે. સર્વોચ્ચ અદાલતે રાજકીય અનામતને લગતી રાજ્ય સરકારની સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી. હવે મામલાનો ઉકેલ કેન્દ્ર સરકાર જ લાવી શકે છે અને દેવેન્દ્ર ફડણવીસ આ અંગે મદદ કરી શકે છે. મહા વિકાસ આઘાડીના નેતાઓએ આ બાબતે તેમની પાસે આવવું જોઈએ, પરંતુ તેઓ આવ્યા ન હતા કારણ કે તેઓ આ મામલે વિલંબ કરવા માંગે છે. તેવો મત કાલિદાસ કોલમ્બકરે એક મીડિયા હાઉસ સાથેની વાતચીત દરમિયાન વ્યક્ત કર્યો હતો.
મુંબઈમાં પણ દહિસર ચેકનાકા પાસે અતુલ ભાતખલકરે ચક્કાજામ આંદોલન કર્યું હતું, તો મુલુંડ ખાતે આશિષ શેલારે આંદોલનનું પ્રતિનિધત્વ કર્યું હતું. નાગપુર ખાતે દેવેન્દ્ર ફડણવીસ આ આંદોલન કરી રહ્યા હતા. પોલીસે અનેક કાર્યકર્તા સહિત વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસની પણ આજે અટકાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ટૂંક સમય અગાઉ જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા એ દરમિયાન પણ મરાઠા આરક્ષણ અને OBCના આરક્ષણ મુદ્દે બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી.