ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧
શનિવાર
આજના સમયમાં, મોટા મોટા અભિનેતાઓ, ખેલાડીઓ માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. હવે ખેલાડીઓએ માનસિક દબાણ અંગે ખુલ્લેઆમ વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે. મહાન બૅટ્સમૅન સચિન તેંડુલકરે પણ ઘણાં વર્ષો સુધી માનસિક દબાણ સહન કર્યું છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મૅચની એક રાત પહેલાં મને ઊંઘ આવતી ન હતી અને આવું તેની સાથે 10થી 12 વર્ષ સુધી થયું હતું. સચિને જણાવ્યું કે મૅચની એક રાત પહેલાં શું કરતા હતા અને કેવી રીતે આ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
સચિને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'મારી કારકિર્દીના 10થી 12 વર્ષ દરમિયાન, હું મૅચ પહેલાં ઊંઘી શકતો નહીં. હું બિસ્તર પર ઊંઘી શકતો ન હતો અને આખી રાત આમ તેમ કરવટ બદલતો રહેતો અને મૅચ વિશે વિચારતો રહેતો. એક દશક પછી મને અનુભવ થયો કે કદાચ હું આવી રીતે જ મૅચ માટે તૈયાર થાઉં છું. મેં આ સ્થિતિ સામે લડવાનું બંધ કરી દીધું હતું. હું મૅચ પહેલાં ટીવી જોતો હતો. હું એ બધુ કરતો હતો જે મને મૅચમાં સારું પ્રદર્શન કરવા માટે મદદ કરતું હતું.
આગળ તેમણે કહ્યું કે તે મૅચ પહેલાં શારીરિક જ નહીં, પણ માનસિક તૈયારી પણ કરતો હતો. હું પ્રયત્ન કરતો કે હું માનસિક રીતે શાંત રહું અને એમ ના વિચારું કે હું બીજા દિવસે કેવી રીતે રમીશ. કેટલાક સમયમાં હું પોતાના વિશે ઘણું શીખ્યો હતો. હું એ સ્થિતિ સામે લડતાં શીખ્યો, જેણે મારી ઘણી મદદ કરી.
વધુમાં સચિને કહ્યું કે એક વાત હતી કે હું લોકોની આશા વિશે વિચારું કે પોતે કરેલી અપેક્ષાઓ ઉપર ધ્યાન આપું. મેં મારી પોતાની અપેક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું, કારણ કે લોકોને ખબર નથી હોતી કે મારા મગજમાં શું ચાલે છે. હું કેવા દબાણ હેઠળ છું? મેં પોતાને હંમેશા સારા પ્રદર્શન માટે પૂરી રીતે તૈયાર કર્યો હતો.
આપને જણાવી દઈએ કે આટલા દબાણ છતાં સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારવાનું પરાક્રમ કર્યું હતું. સચિને 200 ટેસ્ટ અને 463 વન-ડે મૅચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં તેણે 34 હજારથી વધુ રન બનાવ્યા હતા.