ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨3 જૂન ૨૦૨૧
બુધવાર
પંજાબના માનસાના એક જંકયાર્ડે ભારતીય સેનાના 6નકામાં હેલિકૉપ્ટર ખરીદ્યાં છે, જે જોવા માટે લોકોનો ધસારો થયો છે. હેલિકૉપ્ટરને બોલી દ્વારા ખરીદવામાં આવ્યાં છે. આમાંનું એક હેલિકૉપ્ટર મુંબઈની પાર્ટીએ લઈ લીધું હતું, જ્યારે બીજા બે લુધિયાણાના એક હૉટેલ માલિકે ખરીદ્યાં હતાં અને બાકીનાં ચોપર્સ માનસામાં ઊભાં છે જે હવે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયાં છે.
મીટ્ટું કબાડિયા પંજાબમાં જંક માલ રાખવા માટે એક જાણીતું નામ છે. ભારતીય વાયુસેના પાસેથી ભંગારમાંથી હેલિકૉપ્ટર ખરીદ્યા બાદ જ્યારે આ ત્રણ જંક હેલિકૉપ્ટર માનસા પહોંચ્યાં હતાં, ત્યારે તેને જોવા માટે લોકોનું ટોળું વળી ગયું હતું. આખા શહેરમાં હેલિકૉપ્ટરની અંદર અને બહાર ઊભા રહી લોકોએ ફોટોગ્રાફ્સ લેવાનું શરૂ કરી દીધું છે.
એક તરફ, હેલિકૉપ્ટર શહેરમાં મનોરંજનનું સાધન બની રહ્યું છે અને બીજી બાજુ આ ભંગારનો વ્યવસાય કરતા પરિવાર માટે તે એક નફાકારક સોદો પણ બની રહ્યો છે, કારણ કે આ હેલિકૉપ્ટર હૉટેલ અને પર્યટન સ્થળોએ પાર્ક કરવામાં આવી રહ્યાં છે અને લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયાં છે.