ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૬ જૂન ૨૦૨૧
બુધવાર
નિવૃત્તિ બાદ સામાન્યપણે વ્યક્તિ પોતાની મનગમતી પ્રવૃત્તિ કરી જીવનમાં આનંદની પળો માણે છે, પરંતુ કાંદિવલીમાં રહેતા એક દાદા એવા છે જે વર્ષોથી અવિરત સેવાકાર્ય કરે છે. આ વાત છે વસંતભાઈ શાહની. છેલ્લાં ૩૧ વર્ષથી માનવ મિત્ર મંડળ ચૅરિટેબલ ટ્રસ્ટના નામ હેઠળ સમાજસેવાનું કામ કરી રહ્યા છે.
માનવ મિત્ર મંડળ ચૅરિટેબલ ટ્રસ્ટ મધ્યમ વર્ગનાં બાળકોને શિક્ષણ માટે ફી, લેખનસામગ્રી, યુનિફૉર્મ આપી મદદ કરે છે. ઉપરાંત જરૂરિયાતમંદોને મેડિકલ ખર્ચ માટે સહાય પણકરે છે. વસંતભાઈ આ સંસ્થા ઉપરાંત સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ જે બાળકોને ગુજરાતી શીખવે છે અને કાંદિવલી સંસ્થા કૉન્ગ્રેસ સેવા ટ્રસ્ટ જે લોકોને હોમિયોપથી દવાઓ અને ઍક્યુપ્રેસર થેરપી નિ:શુલ્ક આપે છે એના પણ ટ્રસ્ટી છે.
આ સંસ્થાની મદદને કારણે આજે ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી અને ડૉક્ટર, સીએ અને ઇજનેર થયા છે. વસંતભાઈ પહેલેથી જ ૧૮થી ૪૪ વર્ષના લોકો માટે જેસીસ ક્લબ ચલાવતા હતા. એમાં તેઓ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સમાજસેવાનાં કાર્યો કરતા હતા. ત્યાર બાદ ૧૯૮૫માં તેમણે માનવ મિત્ર મંડળની સ્થાપના કરી, જેમાં તેમને લોકો તરફથી પણ ઉત્તમ સહયોગ મળ્યો. તેઓ કેન્સર પેશન્ટોને જમાડવાની સાથે તેમને પણ યથાશક્તિ મદદ કરે છે. ઉપરાંત અનાજની કીટનું પણ વિતરણ કરે છે.
આ સંદર્ભે વાતચીત કરતાં વસંતભાઈએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “અમારો મૂળ હેતુ મધ્યમ વર્ગના લોકોને મદદ કરવાનો છે. ગરીબ તો હાથ લાંબો કરી શકે છે, પરંતુ મધ્યમ વર્ગની સ્થિતિ ‘કહેવાય પણ નહિ અને સહેવાય પણ નહિ જેવી છે.’” વસંતભાઈ પોતાના વ્યાવસાયિક કામ સાથે પણ સેવાનું કાર્ય કરતા હતા અને ૨૦૧૪મ નિવૃત્તિ લીધા બાદ પૂર્ણ સમય આ કાર્યને આપવા લાગ્યા.
ઉલ્લેખનીય છે કે આજના કપરા સમયમાં વસંતભાઈનો સમાજસેવા કરવાનો આ જુસ્સો ઘણાને પ્રેરણા આપે એવો છે. આટલી મોટી ઉંમરે પણ બીજા માટે સમયે-સમયે ઊભા રહેવું એ સૌનીતાકાતની વાત નથી.