ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
બુધવાર
મુંબઈ, 16 જૂન 2021
ભારતમાં ફૉરેન ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ના નિયમોનું ઉલ્લંઘન કરીને વિદેશી ઈ-કંપનીઓ દેશની જનતાને લૂંટી રહી છે. સરકારને કોઈ ટૅક્સ ચૂકવતી નથી. ડિસ્કાઉન્ટને નામે જનતાને મૂર્ખ બનાવી રહી છે. વિદેશની જાયન્ટ કંપનીઓની નીતિને કારણે દેશની રિટેલ દુકાનો બંધ થઈ રહી છે. તેમની મૉનૉપૉલીને કારણે છેલ્લાં વર્ષોમાં અનેક દુકાનો બંધ થઈ ગઈ છે. એવા આરોપો સાથે આ બંધ પડેલી રિટેલ દુકાનોનો સર્વે કરવાની માગણી દેશભરના વેપારીઓનું નેતૃત્વ કરતી કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કરી છે. આ માગણી સાથે તેઓએ વિદેશી ઈ-કૉમર્સ કંપનીઓના વિરોધમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઑનલાઇન સિગ્નેચર ઝુંબેશ પણ ચાલુ કરી છે.
કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ મહાનગરના પ્રમુખ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકરે જણાવ્યું હતું કે દેશના ઈ-કૉમર્સ વેપાર પર કબજો જમાવી બેઠેલી વિદેશી કંપનીઓ દ્વારા FDIની નીતિ તથા વેપારને લગતા અનેક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. એથી આવી કંપનીઓ સામે પગલાં લેવાની માગણી અમે વડા પ્રધાનને પત્ર લખીને કરી છે.
વિદેશી કંપનીઓ દેશમાં મૉનૉપૉલી કરી રહી હોવાનું બોલતાં શંકર ઠક્કરે જણાવ્યું હતું કે વિદેશી કંપનીઓ આપણા દેશને આર્થિક રીતે ગુલામ બનાવી રહી છે. એને કારણે દેશના અનેક નાના વેપારીઓની આજીવિકા છીનવાઈ ગઈ છે. વિદેશી કંપનીઓ દેશના ઈ-કૉમર્સ અને રિટેલ વેપાર પર નિયંત્રણ મેળવીને પોતાની મૉનૉપૉલી સ્થાપવાનો પ્રયાસ કરી રહી છે. એને પગલે આગામી સમયમાં હજી નાની દુકાનો બંધ થવાની શક્યતા છે. છેલ્લાં થોડા વર્ષોમાં વિદેશી કંપનીઓની આવી નીતિને કારણે અનેક નાની રિટેલ દુકાનો બંધ થઈ ગઈ છે. આ દુકાનોમાં કામ કરતા અનેક લોકો બેકાર થઈ ગયા છે. આટલાં વર્ષોમાં આવી કેટલી દુકાનો બંધ થઈ ગઈ છે એનો સર્વેક્ષણ કરવાની માગણી પણ વડા પ્રધાનને પત્ર લખીને કરવામાં આવી છે.
સરકારની ભેદભાવભરી નીતિ સામે નારાજગી વ્યક્ત કરતાં કૉન્ફડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે વિદેશી કંપનીઓ FDIના નિયમોનું ઉલ્લંધન કરે છે. ડિસ્કાઉન્ટના નામે ગ્રાહકોને બનાવટી અને હલકી ગુણવત્તાનો સામાન વેચનારી આ કંપનીઓ દરેક પ્રકારની મનમાની કરી રહી છે. પાછું સરકારને તેઓ નુકસાનમાં હોવાનું કહીને કોઈ પ્રકારનો ટૅક્સ ભરતી નથી. એથી અમારી માગણી છે ઈ-કૉમર્સમાં કામ કરનારી વિદેશી કંપનીઓ માટે નિયમો કડક બનાવો. એમના વેપાર પર નજર રાખો. ભારતીય નિયમોનું તેઓ પાલન કરે છે કે એના પર નજર રાખવા એક મૉનેટરિંગ ટીમ બનાવો તથા આ કંપનીઓને કારણે દેશમાં આટલાં વર્ષોમાં કેટલી દુકાનો બંધ થઈ ગઈ એનો સર્વે કરવાની માગણી પણ કરવામાં આવી છે.