ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧
સોમવાર
મલાડની એક બેકરીમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)એ પાડેલા દરોડામાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. આ દરોડા દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ બેકરી કેક અને પેસ્ટ્રીમાં ડ્રગ વેચતી હતી. આ પહેલી વખત બન્યું છે કે જ્યારે કોઈ બેકરી દ્વારા આવા ડ્રગનું રેકેટ ચલાવવામાં આવતું હોય છે. NCBએ આ કેસમાં એક મહિલા સહિત ત્રણ શખ્સની ધરપકડ કરી છે.
હવે આ પ્રકરણમાં ત્રણેયની પૂછપરછ ચાલી રહી છે. NCB મુંબઈના અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “બ્રાઉની વીડ કેકના માધ્યમથી ડ્રગ્સને યુવાનો સહિત હાઈ પ્રોફાઇલ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.”NCBને આ અંગે તેના ગુપ્ત આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે મલાડની એક બેકરી કોઈને શંકા ન જાય એ રીતે કેક, પેસ્ટ્રી અને બ્રાઉનીની અંદર નશીલા પદાર્થોની ડિલિવરી કરે છે. આ બેકરી હાઈ પ્રોફાઇલ લોકો સુધી છૂપી રીતે ડ્રગ્સ પહોંચાડતી હતી.
અધિકારીએ આ મીડિયા હાઉસ સાથે વાત કરતાં ઉમેર્યું હતું કે “યુવાનોએ નશા માટે એક નવી રીત અપનાવી છે. કેકમાં બ્રાઉની વીડ ભેળવીને તેને બેક કરાય છે જેને યુવાનો બ્રાઉની વીડ પોટ કેક તરીકે ખાઈ રહ્યા છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં આ પ્રથમ કેસ છે જ્યાં વીડ(એડિબલ વીડ) કેકમાં વાપરવામાં આવી રહ્યો છે. NCBએ બેકરીમાંથી ૮૩૦ ગ્રામ બ્રાઉની વીડ અને ૧૬૦ ગ્રામ મારીજુઆના ડ્રગ્સ પણ જપ્ત કર્યું છે. આ કેસમાં ત્રણ જણની NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રેપિક સબસ્ટેન્સીસ) ઍક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.