ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જૂન 2021
મંગળવાર
કોરોના મહામારીમાં ભલભલાના આર્થિક મોરચે પસીના છૂટી ગયા છે. મુંબઈની પ્રખ્યાત ફાઇવ સ્ટાર હૉટેલ પણ એમાંથી બચી શકી નથી. આર્થિક કટોકટીને પગલે ફાઇવ સ્ટાર હૉટેલ હયાત રેજેન્સીને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હૉટેલ પ્રશાસન પાસે કર્મચારીઓને પગાર આપવા માટે પણ પૈસા બચ્યા ન હોવાનું કહેવાય છે.
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પાસે હયાત રેજેન્સી હૉટેલ આવેલી છે, જે દેશ-વિદેશના પર્યટકોની માનીતી છે. આ હૉટેલ એશિયન હૉટેલ્સ વેસ્ટ લિમિટેડ કંપનીની માલિકીની હોવાનું કહેવાય છે.
સાત જૂન સોમવારના હયાત હૉટેલના ઇન્ડિયન હેડ તરફથી એક નોટિસ બહાર પાડવામાં આવી હતી, જેમાં હૉટેલ મૅનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે મૂળ કંપની એટલે કે એશિયન હૉટેલ્સ વેસ્ટ લિમિટેડ તરફથી તેમને હૉટેલ ચલાવવા માટે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું નથી.
હૉટેલમાં કર્મચારીઓ માટે લગાડવામાં આવેલી નોટિસ મુજબ એશિયન હૉટેલ્સ વેસ્ટ લિમિટેડ હયાત રેસિડેન્સીના મુંબઈના માલિક તરફથી હૉટેલ ચલાવવા માટે પૈસા મોકલવામાં આવ્યા નથી. એથી કર્મચારીઓને પગાર આપવા તથા હૉટેલ ચલાવવા માટે તેઓ સક્ષમ નથી. એથી હૉટેલમાં તાત્પૂરતા સમય માટે કોઈ કામ થશે નહીં. આગામી સૂચના સુધી હૉટેલ બંધ રહેશે.
અહીં ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને પગલે જાન્યુઆરી 2020થી દેશ-વિદેશમાં હૉસ્પિટાલિટી સેક્ટરને પણ ભારે ફટકો પડ્યો છે. લૉકડાઉનની સાથે જ આંતરરાષ્ટ્રીય પ્રવાસ, પર્યટન વગેરે પર રહેલા પ્રતિબંધનો જબરદસ્ત આર્થિક ફટકો હૉટેલ ઉદ્યોગને પડ્યો છે. પરિસ્થિત માંડ નવેમ્બર-ડિસેમ્બરમાં સુધરી હતી ત્યાં કોરોનાની બીજી લહેરને પગલે માંડ બેઠી થયેલી ઇન્ડસ્ટ્રીને ફરી માર પડ્યો છે.