ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૪ જૂન ૨૦૨૧
શુક્રવાર
કોરોનાની કપરી પરિસ્થિતિમાં રિલાયન્સ હવે પોતાના કર્મચારીઓને વહારે આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચૅરમૅન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચૅરપર્સન અને સંસ્થાપક નીતા અંબાણીએ એક પત્ર લખીને રિલાયન્સ ફૅમિલી સપોર્ટ ઍન્ડ વેલ્ફેર સ્કીમની ઘોષણા કરી છે. જે અંતર્ગત મૃતક કર્મચારીના પરિવારને પાંચ વર્ષ સુધી પગાર આપશે.
જાહેર થયેલી આ યોજના મુજબ કોઈપણ મૃતક કર્મચારીના નોમિનીને છેલ્લી વાર મળેલા પગાર જેટલી ધનરાશી આગામી પાંચ વર્ષ સુધી અપાશે. તેમ જ મૃતકનાં બાળકોને ભારતની કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં ગ્રૅજ્યુએશન સુધીનો અભ્યાસ, ટ્યૂશન ફીસ, હૉસ્ટેલ, પુસ્તકો મફતમાં ઉપલબ્ધ કરાશે. ઉપરાંત જીવનસાથી, માતા-પિતા, બાળકો (ગ્રૅજ્યુએશન સુધી)ને જો હૉસ્પિટલમાં દાખલ થવાનો વારો આવે તો સંપૂર્ણ ખર્ચ રિલાયન્સ દ્વારા વહન કરાશે. ઉપરાંત કોવિડ-19થી વ્યક્તિગત રૂપથી અથવા પારિવારિક રીતે પ્રભાવિત સાથી વિશેષ કોવિડ લીવ લઈ શકે છે. આ રજા તેમને શારીરિક અને માનસિક તરીકે રિકવર થવા સુધી આપવામાં આવશે.
પત્રમાં લખાયું હતું કે “પ્રિય સાથીઓ કોરોનાના આ સમયમાં પોતાનો જીવ ગુમાવેલા સાથીઓના પરિવારના દુઃખના સમયમાં રિલાયન્સ સંપૂર્ણ શક્તિ સાથે ઊભું છે. પ્રિયજનની ક્ષતિપૂર્તિ ન કરી શકાય, પરંતુ આ મુશ્કેલ સમયમાં આપણે ધૈર્ય અને વિશ્વાસ સાથે તેમના પરિવારના દરેક સભ્યોની મદદ અચૂક કરી શકીએ છીએ.”