ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ મે ૨૦૨૧
સોમવાર
નાસિકની એકમાત્ર ગુજરાતી શાળા શ્રી પંચવટી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત શ્રી ગોદાવરીબાઈ પ્રાથમિક શાળા અને શ્રી આર. પી. વિદ્યાલય દ્વારા 'મિશન માતૃભાષા'ની શરૂઆત કરવામાં આવી છે. આ મિશન અંતર્ગત ખાસ કરીને અંગ્રેજી માધ્યમનાં બાળકો ગુજરાતી વાંચતાં-લખતાં શીખે અને સાહિત્યમાં રસ લેતાં થાય એ માટે 15 દિવસનો માતૃભાષા શીખવવાનો ઑનલાઇન નિ:શુલ્ક ઉપક્રમ કરાયો હતો.
દેશ-વિદેશના અનેક ખૂણેથી બાળકો સહભાગી થાય હતાં. વય પ્રમાણે તેમને ગુજરાતી ભાષા શીખવવામાં આવી હતી. આ વર્ગો 17 મેથી 31 મે દરમિયાન ઑનલાઇન લેવાયા હતા. આ વર્ગો માટે 964 બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને 600થી વધુ બાળકો વર્ગોમાં નિયમિતપણે જોડાયાં હતાં. બાળકોના વર્ગો વયજૂથ પ્રમાણે લેવાયા હતા, જેમાં 4થી6 વર્ષનાં બાળકોના3 બૅચ, 7થી 12 વર્ષનાં બાળકોના સૌથી વધુ ૬ બૅચ, તો 12થી૧૭ વર્ષના 3 બૅચ 17થી વધુ વયનાં બાળકોના 2 બૅચ હતા. દરેક બૅચમાં લગભગ ૪૦ બાળકો જોડાયાં હતાં.
માતૃભાષા શીખવવા સાથે રવિવારે ઑનલાઇન ગરબા પણ રમાડવામાં આવ્યા હતા. બાળકો સાથે તેમના વાલીઓ અને ઘરના વડીલો પણ પોતપોતાના ઘરે ગરબા રમતા અને ગરબા ગાતા દેખાયા હતા. બાળકો વિદેશી ભાષાનું માધ્યમ છોડી અને માતૃભાષાના માધ્યમ તરફ વળે અને વિદેશી માધ્યમનાં બાળકો પણ માતૃભાષા ગુજરાતી શીખે તે આ ઉપક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો.
આ સંદર્ભે વાત કરતાં પ્રકલ્પ કૉ-ઑર્ડિનેટર પ્રતિભાબહેને ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “અમારો આ ઉપક્રમ સફળ રહ્યો છે. માતૃભાષાની શાળાઓ સતત ધમધમતી રહે, આપણી ભાષા સમૃદ્ધ થાય એ અમારા ‘મિશન માતૃભાષા’નો હેતુ છે.” શાળા આવનાર સમયમાં પણ વિવિધ અનોખા ઉપક્રમ કરવાની તૈયારી કરી રહી છે, જેથી બાળકો માતૃભાષા થકી સંસ્કૃતિ સાથે જોડાય.
મળો દહિસરની આ સુપર ટૅલેન્ટેડ છોકરીને; માત્ર ૧૩ વર્ષની ઉંમરે પૂર્ણ કર્યું આરંગેત્રમ્
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અંગ્રેજી માધ્યમ છોડી ૨૫ બાળકોએ નાસિકની આ એકમાત્ર ગુજરાતી શાળામાં પ્રવેશ લીધો હતો. માતૃભાષા શીખવવાના આ પ્રકલ્પ બાદ જ વધુ બે વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમ છોડી અને આ ગુજરાતી શાળામાં આવ્યા છે. શાળાની કામગીરી ખરેખર સરાહનીય છે અને બીજી શાળાઓને પ્રેરણા પૂરી પાડનારી છે.

