ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ મે ૨૦૨૧
શુક્રવાર
આજના સમયમાં બાળકો નાની ઉંમરથી જ વેસ્ટર્ન ડાન્સ તરફ વળતાં હોય છે, પરંતુ આવા સમયમાં પણ એક છોકરી એવી છે જેણે ખૂબ જ નાનીવયે ભરતનાટ્યમ્ શીખવાની શરૂઆત કરી હતી. આ વાત છે દહિસરમાં રહેતી લમ્હા રાવલની, જેણે ૧૩ વર્ષની ઉંમરે જ ભરતનાટ્યમમાં આરંગેત્રમ્ પૂર્ણ કર્યું છે.
લમ્હા જ્યારે પહેલા ધોરણમાં હતી, ત્યારથી જ તેણે ભરતનાટ્યમ્ શીખવાની શરૂઆત કરી હતી અને વર્ષ ૨૦૧૮માં જ્યારે તે આઠમા ધોરણમાં હતી ત્યારે આરંગેત્રમ્ પૂર્ણ કર્યું હતું. ભરતનાટયમની પ્રૅક્ટિસ માટે લમ્હાએ ખૂબ જહેમત ઉઠાવી હતી. તે પહેલાથી પાંચમા ધોરણ દરમિયાન સ્કૂલમાંથી સાંજે ૫.૪૫ છૂટી અને ૬ વાગ્યે પ્રૅક્ટિસ માટે પહોંચી જતી હતી. આરંગેત્રમની પ્રૅક્ટિસ દરમિયાન તેને પગમાં ગંભીર ઈજા થઈ હતી છતાં તેણે પ્રૅક્ટિસ ચાલુ રાખી હતી.
લમ્હા ડાન્સ સાથે ભણવામાં પણ હોશિયાર છે. તેણે છઠ્ઠા ધોરણમાં હોમીભાભા બાળવૈજ્ઞાનિક પરીક્ષા આપી હતી, જેમાં તે બીજા રાઉન્ડ સુધી પહોંચી હતી. દરમિયાન નવમા ધોરણમાં પણ તેણે આ પરીક્ષા આપી અને ત્રીજા રાઉન્ડ સુધી પહોંચી હતી. અહીં તેને બ્રોન્ઝ મેડલ પણ મળ્યો હતો. નોંધનીય છે કે આ પરીક્ષામાં ત્રીજા રાઉન્ડ સુધી પહોંચવું એ કંઈ ખાવાના ખેલ નથી, પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાંથી માત્ર એક ટકા લોકો જ આ તબક્કા સુધી પહોંચે છે.
રૂસ્તમજી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી લમ્હા હાલ દસમા ધોરણમાં છે અને પરીક્ષાઓ રદ થઈ હોવાથી હાલમાં પિયાનો શીખી રહી છે. આ સંદર્ભે વાત કરતાં લમ્હા રાવલે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “મને કોઈ દિવસ કોઈપણ બાબતનું ભારણ લાગ્યું નથી. સંપૂર્ણપણે મેં આ બધું જ માણ્યું છે અને મને સરસ અનુભવ મળ્યો છે.”
દસમા ધોરણની પરીક્ષા અંગેના સવાલમાં તેણે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે “રાજ્ય સરકારે કૉલેજના ઍડ્મિશન માટે કૉમન એન્ટરન્સ એક્ઝામ લેવી જોઈએ.” તેના માટે માત્ર ઇન્ટરનલ ઑનલાઇન એસેસમેન્ટ પૂરતું નથી. એમાં ઘણા છોકરાઓ અપ્રામાણિક રીતે પરીક્ષા આપતા હોય છે, જેનાથી ખરેખર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નુકસાન થાય છે.
ઘાટકોપરની આ ગુજરાતી શાળાએ બાળકોને સતત પ્રવૃત્તિમય રાખવા શરૂ કર્યા આ વિવિધ ઉપક્રમ; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે લમ્હાએ ધોરણ ચાર અને આઠ દરમિયાન મહારાષ્ટ્ર સરકારની સ્કૉલરશિપ પરીક્ષા પણ આપી હતી અને તેને સ્કૉલરશિપ પણ મળી હતી. ઉપરાંત 2ઑક્ટોબર, 2018ના રોજ તેણે બોરીવલીના પ્રબોધન ઠાકરે હૉલમાં સૌપ્રથમ આરંગેત્રમનો એક શો પણ કર્યો હતો.
