ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 મે 2021
ગુરુવાર
દર પાંચ વર્ષે થનારી BMCની ચૂંટણી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં થવાની છે. જોકે આવતા વર્ષે થનારી ચૂંટણી દોઢથી બે વર્ષ માટે લંબાઈ જવાની શક્યતા છે. કોરોનાને પગલે પાલિકાના મોટા ભાગના કર્મચારી કોરોનાને લગતા કામમાં વ્યસ્ત છે. હજી સુધી જનગણના નથી થઈ તેમ જ 2022માં થનારી ચૂંટણી પહેલાં મતદારયાદીમાં સુધારો પણ કરી શકાયો નથી. એથી ચૂંટણી લંબાઈ ગઈ તો નગરસેવકોની તેમ જ મેયરની મુદત પણ પાંચને બદલે સાત વર્ષ થઈ જશે.
ફેબ્રુઆરી 2017માં થયેલી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની મુદત માર્ચ 2022માં પૂરી થશે. ચૂંટણી પંચ આ ચૂંટણી ફેબ્રુઆરી 2022 પહેલાં કરવા માગતું હોય તો પણ કોરોનાને પગલે એ શક્ય જણાતું નથી. કોરોનાનું વધતું જતું સંકટ અને કોરોનાની આવનારી લહેરનું જોખમ સતત મંડાયેલું છે. બંગાળ અને ઉત્તર પ્રદેશની ચૂંટણી બાદ ત્યાં ભયાનક રીતે કોરોનાના કેસમાં વધારો થયો હતો. એથી મહારાષ્ટ્ર સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી. સરકારે નવી મુંબઈ અને અન્ય મહાપાલિકાની ચૂંટણીઓ પણ આગળ ધકેલી છે, એ રીતે કદાચ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પણ આગળ ધકેલી દેવાશે.
આ અગાઉ 1985થી 1990ના સમયગળામાં બે વર્ષ માટે ચૂંટણી લંબાઈ ગઈ હતી. 1990માં થનારી ચૂંટણી ફેબ્રુઆરી 1992માં થઈ હતી. આ ચૂંટણી ફક્ત મહિલાઓને આરક્ષણ આપવા, વૉર્ડની પુનર્રચના અને મતદારયાદીમાં સુધારો કરવા માટે કરવામાં આવી હતી. કોરોનાને પગલે જનગણના, મતદારયાદી અને વૉર્ડના આરક્ષણની પ્રક્રિયા હજી થઈ નથી. એથી ચૂંટણી જો આગળ ધકેલવામાં આવે તો નવેસરથી મેયરને ચૂંટવો પડશે. તેમ જ દરેક સમિતિના અધ્યક્ષને પણ ફરીથી ચૂંટવા પડશે. 1985માં પાલિકાની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા નગરસેવકોની મુદત પણ પાંચને બદલે સાત વર્ષ હતી, ત્યારે મેયરપદનો સમયગાળો એક વર્ષનો હતો.