ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
આ વાત છે મુંબઈમાં મા સરસ્વતીની નગરી તરીકે જાણીતા વિલેપાર્લેમાં આવેલી એક એવી ગુજરાતી શાળાની જે આજે પણ બાળકોના કલવરથી ગુંજે છે. માતુશ્રી કાનબાઈ લાલબાઈ અને મોતીબાઈ લોહાણા કન્યાશાળા ટ્રસ્ટ દ્વારા સંચાલિત એમએમએમ ગર્લ્સ હાઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓને દ્વિતીય ભાષા તરીકે સંસ્કૃત શીખવવામાં આવે છે.
આ શાળાના વિદ્યાર્થીઓ મોઢે ગીતાજીના કેટલાક અધ્યાય પણ બોલી શકે એવું અધ્યયન શિક્ષકો દ્વારા કરાવવામાં આવ્યું હતું. બાળકોએ પણ આ ઉપક્રમમાં રુચિ દાખવી હતી. આ પ્રયોગને કારણે બાળકોમાં સકારાત્મક પરિણામ પણ મળ્યાં છે. બાળકો અત્યારથી જ અધ્યાત્મ વિશે જ્ઞાન મેળવતાં થયાં છે.
લોકડાઉન પૂર્વે એક અનોખો પ્રયોગ આ શાળામાં કરવામાં આવ્યો હતો. સંસ્કૃત વિષય અંતર્ગત શ્રીમદ્ ભગવદ્ગીતાના શ્લોક અને ત્યાર બાદ અધ્યાય પણ શીખવવામાં આવ્યા હતા. આ ઉપક્રમ અંતર્ગત બાળકોને અઠવાડિયામાં બે વખત અધ્યાય શીખવવામાં આવતા હતા. બાળકો નાનપણથી જ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલાં રહે, એ હેતુ સાથે આ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો.
આજે પણ શાળાનાં આચાર્યા અમુક બાળકોને ગણેશ અથર્વના જાપ શીખવે છે. આ બાબતે વધુ વાતચીત કરતાં શાળાનાં આચાર્યા રૂપાબહેને જણાવ્યું કે “સંસ્કૃત બોલવાથી બાળકોનું ઉચ્ચારણ વધુ શુદ્ધ થાય છે. ઉપરાંત મંત્ર કે શ્લોકનો જાપ કરવાથી શ્વસન પ્રકિયા લયબદ્ધ થતી હોય છે.એનાથી બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું થાય છે.” આ ઉપરાંત શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી પણ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે શાળા ખૂલ્યા બાદ પણ આ પ્રકારના વધુ પ્રયોગ કરવા શાળાના શિક્ષકો ઉત્સુક છે. લોકડાઉન બાદ ગીતાજીના આગળના અધ્યાય પણ શીખવવાનું તેઓ વિચારી રહ્યા છે.