ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
દેશમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ટેસ્ટિંગને લઈને નવો પ્લાન બનાવ્યો છે. એ અનુસાર જૂન મહિનાથી દરરોજ દેશમાં ૪૫ લાખ ટેસ્ટ કરવાનો કેન્દ્ર સરકારનો પ્લાન છે, પરંતુ ICMRએ આ વખતે રૅપિડ એન્ટિજેન ટેસ્ટ પર વધુ ભાર આપ્યો છે. હાલ દેશમાં દરરોજ ૧૬-૨૦ લાખ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ICMRના DG ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું હતું કે “RT–PCR મોટાં શહેરોમાં શક્ય છે કારણ કે ત્યાં લૅબ ઉપલબ્ધ છે. ફીલ્ડ અને ગ્રામીણ વિસ્તારમાં એન્ટિજેન પરીક્ષણ પર ભાર મૂકવામાં આવે છે, કારણ કે પરિણામ ૧૫ મિનિટમાં જ મળી જાય છે.” તેમણે ઉમેર્યું હતું કે “જૂન મહિનામાં દરરોજ ૪૫ લાખ પરીક્ષણો કરવાની યોજના છે. જે બદલ રૅપિડ એન્ટિજેન ટેસ્ટ પર ભાર મૂક્યો છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે રૅપિડ ટેસ્ટ માટે બૂથ બનાવવામાં આવે, જ્યાં ૨૪ કલાક પરીક્ષણ થઈ શકે. દસ ગામ વચ્ચે એક વેન હોવી જોઈએ જેના દ્વારા આ પ્રકારના ટેસ્ટ થઈ શકે.
ઉલ્લેખનીય છે કે ૪૫ લાખમાંથી ૧૮ લાખ RT–PCR તો ૨૭ લાખ એન્ટિજેન ટેસ્ટકરવાની સરકારની યોજના છે. ૪૧ કંપનીઓને એન્ટિજેન ટેસ્ટ કિટ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ હવે હોમ ટેસ્ટિંગનો પણ વિકલ્પ ઉપલબ્ધ છે. હવે બજારમાંથી કિટ ખરીદી, ઍપ્લિકેશન ડાઉનલોડ કરી, સૂચનાઓ વાંચી અને પરીક્ષણ કરવાનું રહેશે. ત્યાર બાદ વિગતો પર ક્લિક કરો અને મોબાઇલ ફોન ઍપ્લિકેશનમાં માહિતી આપો.