ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 મે 2021
ગુરુવાર
દિવસે ને દિવસે કોરોના વાયરસ વધુ ઘાતક બની રહ્યો છે, ત્યારે સરકારે કોવિડ-19 માટે એક નવી ‘ઇઝી ટુ ફોલો ઍડ્વાઇઝરી’ બહાર પાડી છે. એમાં જણાવ્યા મુજબ કોરોના અસરગ્રસ્ત દર્દીની ઉધરસ અને છીંકથી દસ મીટર દૂર સુધી કોરોનાના વાયરસ ફેલાઈ શકે છે.
નવી ઍડ્વાઇઝરી મુજબ અસરગ્રસ્ત વ્યક્તિની છીંક અને ઉધરસ કોરોના ફેલાવાનું મુખ્ય કારણ બની શકે છે. એથી કોરોનાથી બચવા માટે ચહેરા પર નાક અને મોં ઢંકાય એ પ્રમાણે માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટિન્સિંગનું પાલન કરવું, હાથ સતત સાફ રાખવા તો આવશ્યક છે, તેમ જ સફાઈની સાથે જરૂરી વેન્ટિલેશનની સગવડ પણ આવશ્યક છે.
ઍડ્વાઇઝરીમાં ફરી એક વખત વાયરસના ફેલાવા પર ભાર આપવામાં આવ્યો છે. અસરગ્રસ્ત દર્દીનાં નાક અને મોઢામાંથી નીકળેલા ડ્રૉપલેટ્સ આજુબાજુની સપાટી પર પડે છે. આ સપાટી પર વાયરસ લાંબા સમય સુધી રહેતો હોય છે. એથી એ જગ્યા પર અને ત્યાં રહેલી વસ્તુઓ જેવી કે દરવાજાના હૅન્ડલ, સ્વિચ બોર્ડ, ટૅબલ-ખુરશી અને ફ્લોરને સતત ડિસઇન્ફેક્ટ કરતાં રહેવું આવશ્યક છે.