ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 મે 2021
ગુરુવાર
ડિજિટલ કરન્સીમાં રોકાણ કરનારા લાખો ઇન્વેસ્ટરોને રડવાનો વારો આવ્યો છે. ચીનના આકરા પ્રતિબંધને પગલે ક્રિપ્ટોકરન્સી બિટકૉઇન ત્રણ મહિનામાં સૌથી તળિયે પહોંચી ગયો છે. એથી ઇન્વેસ્ટરોના લાખો-કરોડો રૂપિયા ડૂબી ગયા છે. માર્કેટ કૅપિટલાઇઝેશનના હિસાબે ક્રિપ્ટોકરન્સીનો બુધવારે 14 ટકા ભાવ ગગડીને ઇન્ટ્રાડેમાં 39,522 ડૉલર પર પહોંચી ગયો હતો. 9 ફેબ્રુઆરી પછીનો આ સૌથી નીચો ભાવ છે.
બિટકૉઇનમાં બોલાયેલા કડાકા પાછળનું કારણ અમેરિકાની કાર કંપની ટેસ્લાના માલિક અને સીઈઓ એલન મસ્કનું નિવેદન મનાય છે. એ સાથે જ ચીનની પીપ્લસ બૅન્ક ઑફ ચાઇનાના આકરા પ્રતિબંધને પણ એક કારણ માનવામાં આવે છે.
એલન મસ્કે બિટકૉઇન અંગે શંકા વ્યક્ત કરતાં ગયા અઠવાડિયાથી ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં કડાકો બોલાવાનું ચાલુ થઈ ગયું હતું. ટેસ્લાએ કારની કિંમત બિટકૉઇનમાં લેવાનો ઇનકાર કરી દીધો હતો. એ સાથે જ રોકાણકારોનું ટૅન્શન વધી ગયું હતું.
ચીનની પીપ્લસ બૅન્ક ઑફ ચાઇનાના આકરા પ્રતિબંધને પણ એક કારણ માનવામાં આવે છે. આ ચાઇનીઝ બૅન્કે ક્રિપ્ટોકરન્સીના કોઈ પણ પ્રકારના પેમેન્ટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન અને પેમેન્ટ કંપનીઓ પર ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલી સવિર્સિસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમ જ તેણે રોકાણકારોને ક્રિપ્ટો ટ્રેડિંગની સટ્ટાબાજીથી દૂર રહેવાની સૂચના પણ આપી છે.
અગાઉ એપ્રિલમાં બિટકોઇનની કિંમત બે ટ્રિલિયનની ઉપર ગઈ હતી. એનો ભાવ વધીને તેની સૌથી સર્વોચ્ચ સપાટી 65 હજાર ડૉલર પહોંચી ગયો હતો. એથી સારા રિર્ટનની આશાએ રોકાણકારોએ છેલ્લા એક મહિનામાં બેફામ રોકાણ કરતાં હવે તેમને રડવાનો વારો આવ્યો છે. જોકે નિષ્ણાતોના મતે ક્રિપ્ટોકરન્સીમાં તેજી આવવાની શક્યતા છે.