ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
ભારતમાં કોરોનાની આપદા સાથે હવે વધુ એક વિપત્તિ આવી પડી છે. તાઉતે વાવાઝોડા બાદ હવે ફરી એક વાવાઝોડું ભારત તરફ આવી રહ્યું છે. કોલકાતાના હવામાન વિભાગે આગાહી કરી છે કે એક સુપર સાઇક્લોન ૨૩થી ૨૫ મે દરમિયાન સુંદરવન વિસ્તારમાં આવી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ ઓમાન દ્વારા આ ચક્રવાતી વાવાઝોડાને યશ નામ આપવામાં આવ્યું છે.
આ વાવાઝોડાની તીવ્રતા ગયા વર્ષે આવેલા અમ્ફાન વાવાઝોડા જેટલી હોય એવી શક્યતા છે. જોકેકોલકાતાનું હવામાન વિભાગ વાવાઝોડાની દિશા અને ગતિ વિશે ચોક્કસ નથી. તેમણે માહિતી આપી છે કે ૨૩ મેની આસપાસ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી ઉપર એક ઓછું દબાણવાળું ક્ષેત્ર બનવાની સંભાવના છે. સુંદરવનના રસ્તે જમીન પર પ્રવેશ કર્યા બાદ તોફાન બાંગ્લાદેશ તરફ આગળ વધી જાય એવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ ભારતમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે અમ્ફાન, નિસર્ગ, મહા અને વાયુ જેવા તોફાની સંકટ આવ્યાં હતાં. જેણે કારણે દેશનાં અનેક રાજ્યોમાં ભારે નુકસાન થયું હતું.