ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
કોરોના માટે વેક્સિન બનાવનારી કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટના માલિક આદર પુનાવાલાએ દાવો કર્યો છે કે આખા વિશ્વને રસી લેતાં બેથી ત્રણ વર્ષ લાગી જશે. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારત જેવા દેશમાં બે કે ત્રણ મહિનામાં વેક્સિનેશન કાર્યક્રમ પૂરો નહીં થઈ શકે. અહીં વધુ સમય લાગશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આખા વિશ્વમાં અત્યારે અલગ-અલગ પરિસ્થિતિ છે. આ તમામ પરિસ્થિતિ પ્રમાણે જો અલગ અલગ દેશોની સરકાર વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરે તો એ કાર્યક્રમ પરિસ્થિતિ પ્રમાણે પૂરો થતાં ઘણો લાંબો સમય લાગશે.
ભારતમાંથી વેક્સિન એક્સપૉર્ટ કેમ થઈ? એ સંદર્ભે તેમણે જણાવ્યું કે ભારતમાં એક સમયે વેક્સિનનો બહુ મોટો જથ્થો ઉપલબ્ધ હતો, પરંતુ એ સમયે ભારતમાં પરિસ્થિતિ કાબૂની બહાર નહોતી. આથી ભારતે વિશ્વના જરૂરિયાતમંદ દેશોને મદદ કરી. હવે જ્યારે ભારતને મદદની જરૂર છે ત્યારે વિશ્વ આખું ભારતની સાથે છે. આમ આદર પુનાવાલાએ ભારત સરકારની નીતિઓનું સમર્થન કર્યું છે.