ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે ૨૦૨૧
મંગળવાર
સોશિયલ નેટવર્કિંગ સાઇટ વોટ્સઍપ એની નવી પ્રાઇવેસી પૉલિસી સ્વીકારવાની અંતિમ તારીખ અંગે મક્કમ છે. વોટ્સઍપે સ્પષ્ટ કર્યું છે કે તેણે પૉલિસી સ્વીકારવાની અંતિમ તારીખમાં કોઈ ફેરફાર કર્યો નથી. કંપનીએ કહ્યું છે કે અમે યુઝર્સને 15 મે, ૨૦૨૧ બાદ સમય નહિ આપીએ. એથી જે વપરાશકર્તાએ પ્રાઇવેસી પૉલિસી સ્વીકારી નથી, વોટ્સઍપ હવે તેમનાંઍકાઉન્ટ્સ ડિલીટ કરવાનું શરૂ કરશે.
દિલ્હી હાઈકોર્ટમાં કંપનીની હિમાયત કરી રહેલા ઍડ્વોકેટ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું હતું કે જે વપરાશકર્તા આ પૉલિસીને સ્વીકારશે નહીં, તેનું ઍકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે. નવી પૉલિસી મુજબ વોટ્સઍપ એનો ડેટા પોતાની પૅરન્ટ કંપની ફેસબુક સાથે શૅર કરવા ઇચ્છે એ હેતુસર તેણે પોતાની પ્રાઇવેસી પૉલિસીમાં બદલાવ કર્યો છે. હવે આ પૉલિસી સ્વીકાર્યા પછી જ વપરાશકર્તાઓનું વોટ્સઍપ ઍકાઉન્ટ ચાલુ રહેશે. આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તેને 3 જૂન ૨૦૨૧ સુધી મુલતવી રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ નવી પૉલિસી પ્રથમ વાર જાન્યુઆરી ૨૦૨૧માં જારી કરવામાં આવી હતી, જેને સ્વીકારવા માટે સમયમર્યાદા ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી હતી. એ પછી વિવાદ જાગતાં વોટ્સઍપે નવી પૉલિસી સ્વીકારવાનો સમય ૧૫ મે ૨૦૨૧ સુધીનો કર્યો હતો. બીજી તરફ એક સમાચાર પોર્ટલના અહેવાલ મુજબ આ નવી પૉલિસી યુરોપમાં બૅન થશે એવી વકી છે.