ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે ૨૦૨૧
મંગળવાર
ફિલ્મોમાં અવારનવાર ડાયલૉગ સાંભળવા મળે છે કે “એજ ઇઝ જસ્ટ અ નંબર”. વિલે પાર્લેમાં રહેતાં આ બા એ ડાયલૉગનું જીવતુંજાગતું ઉદાહરણ છે. બા ૮૫ વર્ષની ઉંમરે પણ નૃત્ય કરે છે, કોરિયોગ્રાફી કરે છે, અભિનય કરે છે અને શાસ્ત્રીય સંગીત પણ શીખે છે. આ વાત છે પ્રમોદીની નાણાવટીની, જેમની એનર્જી આટલી મોટી ઉંમરે પણ એક યુવાનને લજવે એવી છે.
વિલેપાર્લેમાં રહેતાં પ્રમોદીની નાણાવટી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ૧૯૫૮માં આરબીઆઇમાં જોડાયાં, ત્યાં તેમણે ઇન્ટરબૅન્ક ગુજરાતી ડ્રામા કૉમ્પિટિશનની શરૂઆત કરી અને લગાતાર ત્રણ વર્ષ બેસ્ટ ઍક્ટ્રેસ અને એક વાર બેસ્ટ ડિરેક્ટરનો પણ ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે એ સમયમાં મણિપુરી નૃત્ય શીખવાની શરૂઆત કરી હતી, પરંતુ અમુક કારણોસર તેઓ આગળ શીખી શક્યાં ન હતાં. તેમને શાસ્ત્રીય સંગીતમાં વિશારદ હાસલ છે. તેમણે એ સમયમાં અમુક કૉમર્શિયલ નાટકો પણ કર્યાં હતાં.
લગ્ન બાદ તેમણે પોતાના પ્રોફેશનલ કરિયરમાં બ્રેક લીધો અને સંગીતમાં બીજા રાગ શીખવાનું શરૂ કર્યું હતું. આજે તેઓ જુહુ જિમખાનામાં સિનિયર સિટિઝન ગ્રુપમાં ખૂબ જ સક્રિય છે. તેઓ ૧૨ વર્ષથી ડાન્સ, ગ્રુપ ડાન્સ અને ગરબાની કોરિયોગ્રાફી કરે છે. ગરબા કૉમ્પિટિશનમાં ભાગ લે અને ફર્સ્ટ પ્રાઇઝ જીતે છે. ગયા જૂન મહિના દરમિયાન તેમણે એક શોર્ટફિલ્મ ‘ધુમ્મસ’માં મુખ્યપાત્ર ભજવ્યું હતું. ફિલ્મફેર ૨૦૨૧માં એ સેમિફાઇનલ સુધી પહોંચી હતી અને બાને બેસ્ટ ઍક્ટ્રેસ તરીકે પણ નોમિનેટ કરવામાં આવ્યાં હતાં.
ન્યુઝ કન્ટિન્યુઝ સાથે વાત કરતાં કળાપ્રેમી પ્રમોદીનીબહેને કહ્યું હતું કે “લોકડાઉનમાં મેં માલગુંજી રાગ શીખવાનું શરૂ કર્યું અને આજે પણ એની પ્રૅક્ટિસ કરું છું.” બાએ લાંબા સમયગાળા બાદ ૭૨ વર્ષની ઉંમરે ગુરુપૂર્ણિમાને દિવસે જ્યારે વિદ્યાર્થીઓ ક્લાસમાં પર્ફોર્મ કરે એ દરમિયાન ફરીવાર નૃત્ય શરૂ કર્યું હતું અને “મોહે પનઘટ પે નંદલાલ…” ગીત પર નૃત્યુ કર્યું હતું. એ બદલ તેમણે ખૂબ સરાહના મેળવી હતી. ૬૯ વર્ષની ઉંમરે તેમણે બીજી વાર ‘એન્સિયન્ટ ઇન્ડિયન કલ્ચર’ વિષયમાં બીજીવાર એમ.એ. કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે પ્રખ્યાત નાટક સંતુરંગીલી નાટકની અકોક્તિ‘સંતુનોય ડંકો વાગશે’ એટલી સુંદર રીતે રજૂ કરે છે ત્યારે જોનારને લાગે કે જાણે તેઓ પોતે જ સંતુ હોય. મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ગયા વર્ષે રાષ્ટ્રીય સ્તરે સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમને આ એકોક્તિમાં પ્રથમ પુરસ્કાર મળ્યો હતો. ઉપરાંત અનેક વર્તમાનપત્રોમાં પણ તેમના ઉપર આર્ટિકલ લખવામાં આવ્યા છે.
જો તમે પણ આ એકોક્તિની ઝલક જોવા માગતા હોવ તો આ રહી લિન્ક – https://youtu.be/9_fxOUJBQsw