ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ મે ૨૦૨૧
સોમવાર
દેશમાં કોરોનાના સંકટ વચ્ચે અનેક રાજ્યો પર તુફાની આફત આવી છે. તાઉતે વાવાઝોએ કેરળ, કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા પાયે વિનાશ સર્જ્યા બાદ હવે આગળ વધી રહ્યું છે. આ શક્તિશાળી તોફાન તાઉતેને જોતાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે. એમ છતાં ચાર રાજ્યોમાં અત્યાર સુધીમાં બાર મૃત્યુ થયાં છે. એમાંથી બે મૃત્ય મહારાષ્ટ્રમાં, છ મૃત્યુ કર્ણાટકમાં, બે મૃત્યુ ગોવા અને બે મૃત્યુ કેરળમાં થયાં છે.
કર્ણાટકમાં ભારે વરસાદ અને જોરદાર ફૂંકાતા પવનને કારણે દુર્ઘટનામાં આ મૃત્ય નીપજ્યાં હતાં. ગોવામાં ભારે પવનને કારણે એક સ્ત્રી ઉપર નારિયેળનું ઝાડ પડ્યું હતું, ત્યારે બીજી એક વ્યક્તિ પર થાંભલો પડતાં તેનું મૃત્યુ થયું હતું.
અરે! કોવિશીલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત ફરી એકવાર વધી ગઈ; જાણો વિગત…
દરમિયાન રવિવારે બંદર, શિપિંગ અને જળમાર્ગ પ્રધાન મનસુખ માંડવિયાએ દેશના પશ્ચિમ કાંઠાના વિસ્તારોના તમામ રાજ્યોમાં બંદરો અને દરિયાઈ ઝોનના બોર્ડની તૈયારીઓની સમીક્ષા કરી હતી. માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું છે કે તાઉતેને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારનાં સુરક્ષાનાં પગલાં લેવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે જે રીતે તોફાન તાઉતેને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી છે, અમે આશા રાખીએ છીએ કે નુકસાન ઓછું થશે.
ઉલ્લેખનીય છે કે તેમણે લોકોની સલામતી માટે તમામ શક્ય પગલાં ભરવાની સૂચના આપી હતી. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ રવિવારે જણાવ્યું હતું કે ચક્રવાત તાઉતે ખૂબ તીવ્ર તોફાન બની રહ્યું છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. વિભાગે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને દીવ-દમણ માટે ચેતવણી જારી કરી છે.