ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ મે ૨૦૨૧
સોમવાર
આપણી માતૃભાષા ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય. બોરીવલીનો એક યુવક આ કહેવતનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. માત્ર ૧૩ વર્ષની ઉંમરે પોતાની પ્રબળ ઇચ્છાશક્તિને જોરે તેણે અભિનય ક્ષેત્રે કારકિર્દી ઘડવાની શરૂઆત કરી દીધી હતી અને આજે સીઆઇડી જેવી ટીવી સિરિયલ સહિત અનેક ગુજરાતી નાટકોમાં પણ પોતાના અભિનયનો ઓજસ દેશ-વિદેશમાં પાથરી ચૂક્યો છે.

આ વાત છે બોરીવલીમાં રહેતા સિદ્ધાર્થ ભુપ્તાણીની, જે હાલ ૨૧ વર્ષનો છે. તે જ્યારે સાતમા ધોરણમાં હતો ત્યારે તેણે ઓડિશન આપવાની શરૂઆત કરી અને ‘માતા કી ચૌકી’ સિરિયલમાં પહેલી વાર બે એપિસોડમાં પ્રિન્સનો અભિનય કર્યો. એ બાદ ૨૦૧૨માં ડીડી નૅશનલ પર ‘સંકટ મોચન હનુમાન’ સિરિયલમાં લગભગ ૪૦ એપિસોડમાં રામ ભગવાનનું પાત્ર ભજવ્યું હતું. એપછી સરકારની પર્યાવરણ માટેની ઍડ્સ અને સીઆઇડી જેવી અતિલોકપ્રિય સિરિયલના એક એપિસોડમાં મહત્વપૂર્ણ રોલ કર્યો.
તાઉતે વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાતના આ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા; જાણો વિગતે
દસમા ધોરણમાં તેણે પોતાના અભ્યાસ પર ધ્યાન આપવા માટે બ્રેક લીધો અને ત્યારબાદ મલાડની એન.એલ. કૉલેજમાં પ્રવેશ મેળવી ડ્રામા ટીમમાં જોડાયો હતો. કૉલેજ દરમિયાન તેણે કૉલેજના અનેક ડ્રામામાં કામ કર્યું હતું. મુંબઈ યુનિવર્સિટી દ્વારા આયોજિત યુથ ફેસ્ટિવલ ૨૦૧૮માં ભજવેલા ૧૦૦x૦=૧૦૧ નાટક માટે બેસ્ટ ઍક્ટરનો ઍવૉર્ડ મળ્યો અને નાટકે ૧૫૦ કૉલેજોમાં બીજું સ્થાન મેળવ્યું હતું. દરમિયાન ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન (IPTA) દ્વારા આયોજિત સ્પર્ધામાં તેને બેવાર મેરિટ ફોર ઍક્ટિંગનો ઍવૉર્ડ મળ્યો છે.

કૉલેજથી ઇતર ૨૦૧૭માં તેને પ્રથમ વાર ગુજરાતી નાટકમાં કામ કરવાનો મોકો મળ્યો હતો, જેના તેણે ૩૦ શો કર્યા છે. ઇમ્તિયાઝ પટેલ લિખિત આ નાટક હતું ‘નમો નચાવે તેને કોણ બચાવે’. આ તેના જીવનનો ખૂબ મહત્વનો વળાંક હતો. એ પછી તેણે ઇમ્તિયાઝ પટેલ લિખિત અને કમલેશ મોતા દ્વારા નિર્દેશિત ‘ફ્લૅશ બૅક’ જેવા હિટ નાટકમાં કામ કર્યું.
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આ જગવિખ્યાત મંદિર 15 જૂન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં પણ જેનું નામ અંકિત છે એવું ‘ઑલ ધ બેસ્ટ નાટક’ની જ્યારે વર્ષો બાદ ફરી શરૂઆત કરવામાં આવી ત્યારે સિદ્ધાર્થે પણ એમાં મહત્વનું પાત્ર ભજવ્યું હતું. આ નાટકના દેશ-વિદેશમાં ૯૯ શો થયા. ૧૦૦મો શો અમેરિકામાં હતો, પરંતુ ૨૦૨૦માં કોરોનાના કારણે આ શો રદ થયો હતો. નોંધવું ઘટે કે ૨૦ વર્ષ પહેલાં આ નાટક વિવિધ ભાષામાં રચાયું હતું અને દેશ-વિદેશમાં કુલ ૧૨,૦૦૦ વાર ભજવાયું હોવાનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે.
આ સંદર્ભે વાત કરતાં સિદ્ધાર્થે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “મને પડદા અને સ્ટેજ બંને પર અભિનય કરવો ગમે છે. હું હવે ક્રિયેશન તરફ વળવા ઇચ્છું છું.” સિદ્ધાર્થ પોતાની માસ્ટર ડિગ્રીની હવે શરૂઆત કરવાનો અને સાથે એન્ટરપ્રેન્યોર પણ બનવા માગે છે. તે જૉઇન્ટ ફૅમિલીમાં રહે છે અને પોતાની સફળતાનો શ્રેય પરિવારના દરેક સભ્યને આપે છે.
ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ મલ્ટિટૅલેન્ટેડ છે અને અભિનય સાથે ઍન્કરિંગ, સિંગિંગ અને ગિટાર પણ વગાડે છે. તે ડાન્સ અને અક્રોબેટિકસ પણ શીખે છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ કાબૂમાં, રાજ્યમાં સક્રિય કેસમાં નોંધાયો ઘટાડો; જાણો આજના તાજા આંકડા…