ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 16 એપ્રિલ 2021.
શુક્રવાર.
ઈજિપ્તમાં લગભગ 3,400 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે.પુરાતત્વવિદનું માનવું છે કે, આ પ્રાચીન ઈજિપ્તનું સૌથી મોટું ઔદ્યોગિક શહેર હતુ.
પુરાતત્ત્વવિદોને દક્ષિણના રાજ્ય લગ્ઝરમાં નીલ નદીના પશ્ચિમ કાંઠે ખોવાયેલું 'સોનાનું શહેર' મળી ગયું છે. તે ઈ.સ.1922માં ઇજિપ્તના સૌથી પ્રખ્યાત રાજા એટલે કે રાજા તૂતનખામેન (તુત)ની કબરની શોધ બાદ સૌથી મોટી ઉપલબ્ધિ હોવાનું માનવામાં આવી રહ્યું છે.લગભગ 3,400 વર્ષ જૂનું આ શહેર લગ્ઝરમાં પ્રખ્યાત કિંગ્સ વેલીની પાસે રેતીમાં દફન કરાયેલું મળી આવ્યું છે. આ તે જ સ્થાન છે જ્યાંથી તુતની કબર મળી હતી. આ કબરમાંથી 10 કિલો સોનાથી બનેલા તૂતનખામેનના મમી સહિત આશરે 5 હજાર કિંમતી કલાકૃતિઓ પણ મળી આવી હતી. રસપ્રદ વાત એ છે કે તે શોધ અજાણતાં થઈ છે. પુરાતત્ત્વવિદોની ટીમ તૂતનખામેનના શબગૃહ મંદિરની શોધખોળ કરતા-કરતાં આ દફનાવેલા શહેર સુધી પહોંચી ગયા હતા.
આ શહેરનું નામ એટન છે.એટનને વસાવનાર અમેનોટેપ-3 ઈજિપ્તના 18માં રાજવંશના નવમા ફેરો હતા. જાણીએ કે ખોદકામમાં શું મળ્યું .વહીવટી વિસ્તારની આજુબાજુ સાપ જેવી દિવાલો, રસ્તાઓના કિનારે કિનારે બાંધવામાં આવેલા મકાનો, માટીની ઇંટ બનાવવાનું વર્કશોપ, રંગીન માટીના વાસણ,એક મોટી બેકરી, જેમાં ભઠ્ઠી અને સ્ટોરેજ છે અને રંગીન માટીના વાસણ, સુશોભન કલાકૃતિ, કાંતણ અને વણાટનાં સાધનો.જેવી અનેક મહત્વની વસ્તુઓ મળી છે.
પુરાતત્ત્વવિદના જણાવ્યા અનુસાર, ખોદકામ સપ્ટેમ્બર 2020 માં શરૂ થયું હતું. તે પૂર્ણ થવા માટે પાંચ વર્ષ જેટલો સમય લાગી શકે છે. કારણ શહેરના આ ઉત્તરીય ભાગનું સંપૂર્ણ ખોદકામ હજી બાકી છે.