ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ,16 એપ્રિલ 2021.
શુક્રવાર.
હિન્દૂ સંસકૃતિમાં મૃત્યુ પામનાર વ્યક્તિનાં મોઢામાં તુલસીના પાન પર સોનાની અથવા ચાંદીની વસ્તુઓ રાખવાની પરંપરા છે. ત્યાર બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અંતિમ સંસ્કાર બાદ નદીમાં તેના અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે.

ગુજરાતના વડોદરા શહેરમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોની અસ્થિઓ સોના ચાંદીની વસ્તુઓ અથવા તો દાગીનાઓ એકત્ર કરવા માટે વિશ્વામિત્રી નદીના ઘાટ પર શ્રમજીવીઓની કતાર લાગી રહી છે. શ્રમજીવીઓ નદીની રેતી બહાર કાઢી કાઢીને તેમાં શોધખોળ કરી રહ્યા છે. તેઓ સોના ચાંદીના દાગીના મળી જાય તેવી આશાએ રેતી તપાસી રહ્યા છે.વડોદરામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો હોસ્પિટલમાંથી જ કિટમાં ફીટ કરીને સીધાજ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામનારા વ્યક્તિએ પહેરેલી સોના ચાંદીની વસ્તુઓ સાથે જ અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે. સોના ચાંદીની વસ્તુઓ શોધવા વિશ્વામિત્રી નદીના કિનારે શ્રમજીવીઓ અસ્થિઓને ચારણીમાં ચાળીને શોધવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. મોટા પ્રમાણમાં શ્રમજીવીઓ કિનારે રેતીમાં ઉથલપાથલ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે,પરિવારના લોકો કોરોનાના ડરથી પોતાના પ્રિયજનના અસ્થી લેવા માટે પણ જતા નથી. તેવામાં સ્મશાનોમાં કામ કરી રહેલા વ્યક્તિઓ અસ્થિઓની પોટલીવાળીને શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વિસર્જીત કરી દે છે. તેવામાં કેટલાક લોકોને વસ્તુ મળી હોવાની સ્થિતીમાં હવે મોટા પ્રમાણમાં લોકો નદીની રેતી કાઢીને તેમાં સોનુ કે ચાંદી મળી જાય તેવી આશાએ રેતી ફંફોસી રહ્યા છે.