ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 9 એપ્રિલ 2021
શુક્રવાર
અંગ્રેજીનું વણગણ લોકોમાં આજકાલ વધતું જઈ રહ્યું છે અને દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈ શહેરમાં લોકોનું અંગ્રેજી અને અંગ્રેજી માધ્યમનો મોહ ખૂબ વધુ છે. આવી પરિસ્થિતિમાં પણ મુંબઈમાં એક સંગઠન એવું જે માતૃભાષાની શાળાઓના ઉત્થાન અને ઉત્કર્ષ માટે કર્યો કરે છે. આ વાત છે કાંદિવલી સ્થિત ‘મુંબઈ ગુજરાતી સંગઠન’ની જે માતૃભાષાની શાળાની સ્થિતિ સુધારવા મથે છે.
મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લાં ૧૦ વર્ષથી ‘મારી માતૃભાષા, મારી જવાબદારી’ના નારા સાથે કામ કરી રહ્યું છે. સંગઠને અત્યાર સુધીમાં ૩૫૦ વાલીસભાઓ કરી જેમાંની ૫૦ સભાઓ અંગ્રેજી માધ્યમના વાલીઓ સાથે યોજવામાં આવી હતી, જેથી તેમને વૈજ્ઞાનિક રીતે માતૃભાષાના માધ્યમનું મહત્ત્વ સમજાવી શકાય. તે ઉપરાંત શાળાથી દૂર રહેતા બાળકો માટે વાહન વ્યવસ્થા, ગણવેશ અને જરૂરિયાતમંદ બાળકો માટે સ્કોલરશીપ જેવા વિવિધ કર્યો કરે છે.
બે વર્ષ પૂર્વે મહારાષ્ટ્ર બોર્ડનો અભ્યાસક્રમ બદલાતા વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડ આવતી બંધ થઈ હતી. તેથી શાળાના શિક્ષકોની મદદ દ્વારા દસમા ધોરણના સ્વાધ્યાય અને પ્રશ્નપત્ર જન્મભૂમિ પત્રોના માધ્યમે બાળકો સુધી પહોંચાડ્યા હતા અને ત્યારબાદ તે સંગઠનની વેબસાઈટ mumbaigujarati.org પર પણ મુકવામાં આવ્યા હતા. દર વર્ષે સંગઠન માતૃભાષાની વિવિધ શાળામાં દસમા ધોરણમાં પ્રથમ આવેલા વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ પણ યોજે છે.
ન્યૂઝ કંટીન્યૂઝ સાથે આ સંદર્ભે વાત કરતા મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશ મહેતાએ જણાવ્યું કે “માતૃભાષાની શાળામાં ન ભણાવતા દરેક વાલીના મનમાં મુખ્યત્વે અંગ્રેજી ન આવડવાનો ડર હોય છે, તેથી અમે વેકેશન દરમિયાન વિવિધ શાળામાં સ્પોકન અંગ્રેજીના વર્ગો પણ લઈએ છીએ.” આ કામ માટે ૪૦ જણની એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે અને તેમને જરૂરી ટ્રેનીંગ પણ આપવામાં આવી છે.
માતૃભાષાની શાળાઓને આધુનિક બનાવવા માટે પણ સંગઠન મથી રહ્યું છે. સંગઠન દ્વારા દહિસરની જિ.કે. એન્ડ વી.કે. નાથા હાઇસ્કુલ, મલાડની નવજીવન પ્રાથમિક શાળા, ધનજીવાડી બાલમંદિર, કલ્યાણની એમ.જે.બી. કન્યાશાળા, RSGKR અને ગાંધી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક ચિત્રો સાથે રંગરોગાન કરાવવામાં આવ્યું હતું.
સંગઠન દ્વારા દર વર્ષે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન ગયા વર્ષે સંગઠને રાષ્ટ્રીય સ્તરની સર્જનાત્મક સ્પર્ધાઓનું ઓનલાઈન આયોજન કર્યું હતું, જેમાં બાળકોથી માંડી વૃદ્ધોએ પણ ભાગ લીધો હતો અને પોતાનામાં રહેલી પ્રતિભાને સમાજ સમક્ષ મૂકી હતી. આ ઉપરાંત હાલમાં જ સંગઠન દ્વારા ‘માતૃભાષાની શાળાઓ પૂછે છે, મારી આ દશા માટે જવાબદાર કોણ?’ આ વિષય પર આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
ભાવેશ મહેતાએ ઉમેર્યું કે “ભવિષ્યમાં બાલમંદિરની શ્રુંખલા ઊભી કરી નજીકમાં જ કોઈ સારા બાળમંદિર ન મળવાથી નજીકના કોઈ પ્લેગ્રુપમાં મુકવાની મજબૂરી એકંદરે આપણી સંસ્કૃતિથી નવી પેઢી દૂર ન થાય તે માટે બાલમંદિરની શ્રુંખલાઓ શરૂ કરવાના ધ્યેય સાથે સંગઠન આગળ ધપી રહ્યું છે.”