ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 3 એપ્રિલ 2021
શનિવાર
ભારતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે અને કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાને માત આપવા હાલ ભારતમાં વેક્સિનેશન ડ્રાઈવ પણ જોરશોરથી ચાલી રહી છે. હવે વેક્સિનેશનમાં બેદરકારીનો એક કિસ્સો કાનપુરમાં સામે આવ્યો છે. કાનપુરમાં ફોન પર વાત કરવામાં મશગૂલ નર્સે વેક્સીન લેવા આવેલી એક મહિલાને ભૂલથી બેવાર વેક્સીન આપી દીધી હતી.
કાનપુરના ગ્રામીણ મડૌલી પીએચસી ખાતે કોરોના વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે, ત્યાંથી આ ઘટના સામે આવી છે. મહિલાના કહેવા પ્રમાણે નર્સ ફોન પર વાત કરવામાં એટલી બધી ખોવાય ગઈ હતી કે તેણે મહિલાને જવાનું પણ કહ્યું ન હતું અને બેવાર રસી મૂકી દીધી હતી. મહિલાએ જયારે નર્સને આ વિષે પૂછ્યું તો તેણે મહિલા પર જ ગુસ્સો કર્યો હતો.
આ ઘટનાની જાણ મહિલાના પરિવારને થતા તેમણે હંગામો કર્યો હતો. કમલેશ દેવીના જણાવ્યા પ્રમાણે તેઓ અત્યારે સ્વસ્થ છે, પરંતુ હાથ પર વેક્સીન લીધેલી જગ્યાએ સોજો થયો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ડીએમએ તપાસના આદેશ આપ્યા છે.
