ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 3 એપ્રિલ 2021
શનિવાર
આજના સમયમાં લોકોને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે અને વળગણ પણ છે, પરંતુ કાંદિવલીમાં એક એવો કિસ્સો પણ છે જેમાં બે ભાઈઓ અંગ્રેજી માધ્યમની શાળામાંથી ગુજરાતી માધ્યમની શાળામાં આવ્યા છે અને અત્યારે તેમનો ઘણો સારો વિકાસ પણ થયો છે. આ વાત છે વિહાન રાઠોડ અને મિહિર રાઠોડની જે કાંદિવલીની સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં ભણે છે. વિહાન હાલ બીજા ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે તેનો નાનો ભાઈ મિહિર મોટી શ્રેણી (સિનિયર કે.જી.)માં અભ્યાસ કરે છે.
કાંદિવલીના ચારકોપ વિસ્તારમાં રહેતા આ બાળકો પહેલાં કાંદિવલી સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયના અંગ્રેજી માધ્યમમાં ભણતા હતા, પરંતુ 2 વર્ષ પહેલાં તેઓએ આજ શાળાના ગુજરાતી માધ્યમમાં પ્રવેશ લીધો અને આજે તેઓ ભારવગરના ભણતરનો આનંદ લે છે અને પોતાનું બાળપણ પણ માણે છે. માતૃભાષાની શાળા માટે કાર્યરત મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા મેળામાં માતૃભાષાની શાળાઓના પ્રચાર પ્રસાર માટે બેનર અને સ્ટોલ લગાવવામાં આવ્યો હતો. તે સમયે આ બાળકોના માતા-પિતા અહીં આવ્યા હતા અને માતૃભાષામાં શિક્ષણની સાચી હકીકતનું ભાન થતા તેમણે પોતાના બાળકોને અંગ્રેજીમાંથી તે જ શાળાના ગુજરાતી મીડિયમમાં શિફ્ટ કર્યા હતા.

હવે આ જ બાળકોએ માત્ર પાંચ વર્ષ અને આઠ વર્ષની આયુમાં ભેગા મળી યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. જોકે, યુટ્યુબ ચેનલ શરૂ કરવી એ આજના સમયમાં સામાન્ય બાબત છે, પરંતુ નાની ઉંમરના બાળકો પણ તેમાં સર ધરાવે છે અને પોતાનું હુનર દુનિયા સમક્ષ રજૂ કરે છે તે ખરેખર સરાહનીય છે.
ચેનલની શરૂઆત કઈ રીતે થઈ તેના જવાબમાં વિહાનના પિતા યજ્ઞેશભાઈ જણાવ્યું કે "લોકડાઉનમાં જ્યારે ઓનલાઇન વર્ગો શરૂ થયા તેમાં અમારે મિહિરની એક્ટિવિટીના વીડિયો હોમવર્ક તરીકે મોકલવાના હતા. વીડિયોની સાઈઝ મોટી હોવાથી તેને વોટ્સએપ પર મોકલવામાં અગવડ પડતી હતી. તેના ઉપાય તરીકે મેં યુટ્યુબ ચેનલ બનાવી અને તેમાં વીડિયો અપલોડ કરી લિંક શિક્ષકને મોકલવા લાગ્યા." તેમાંથી પ્રેરણા લઈ મોટા ભાઈ વિહાને પણ વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા માટે વીડિયો બનાવવાની શરૂઆત કરી. દાદાના સુજાવ પર વારે-તહેવારે પણ છોકરાઓ વીડિયો બનાવી યુટ્યુબ પર મૂકવા લાગ્યા અને આ રીતે તેઓ નિયમિત યુટ્યુબ પર વીડિયો મૂકવા લાગ્યા. આ બાળકોએ લોકડાઉનનો સદુપયોગ કરી જે પ્રયત્નો કર્યા છે તે દરેક માટે પ્રેરણારૂપ છે.

નાની વયે પણ આ બંને બાળકોનો આત્મવિશ્વાસ અચંબિત કરનારો છે. વિહાન કવિતા, ફોનિક્સ અને જનજાગૃતિના વીડિયો બનાવે છે. જયારે તેનો નેનો ભાઈ મિહિર નંબર, શરીરના અંગો અને જનજાગૃતિના વીડિયો બનાવે છે. યજ્ઞેશભાઈ વધુ જણાવતા કહ્યું કે "વીડિયો બનાવવાની પ્રવૃતિમાં બાળકોનો દિવસ સારો પસાર થાય છે અને કોરોનાના કપરા સમયમાં પણ તેઓ ઘરે આ જ પ્રવૃત્તિમાં મશગુલ રહે છે. મારા પત્ની તેમને તૈયારી કરવામાં મદદ કરે છે. અમારે માટે વ્યૂઝનું મહત્ત્વ નથી, તેઓ આ ઉંમરે પણ આટલા ઉત્સાહથી ભાગ લે છે એ મહત્ત્વનું છે."
આ રીતે એ વાત સિદ્ધ થાય છે કે અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો જ ટેકનો-સેવી નથી હોતા, પરંતુ માતૃભાષાના માધ્યમમાં ભણતા બાળકો પણ ટેકનો-સેવી છે અને તેઓ પણ પોતાની પ્રતિભા ટેક્નોલોજીના માધ્યમથી દુનિયા સમક્ષ મૂકી શકે છે.
યુટ્યુબ લિંક https://www.youtube.com/channel/UCa5pijf1uYXuxHcVwAp-r6g
