ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 ફેબ્રુઆરી 2021
મલાડ પશ્ચિમમાં લિંક રોડ પાસે આવેલા એવરશાઇન નગર વિસ્તારમાં લોકો નાહક ના ટ્રાફિક જામ થી પરેશાન છે. વાત એમ છે કે માલવણી વિસ્તારમાં લઘૂ રોડને જોડતો તેમજ એવરશાઇન નગર ની પાછળ ના ભાગમાં લોકોની અવરજવર માટે એક ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાએ આ બ્રિજ લોકો ના ચાલવા માટે બનાવ્યો હતો પરંતુ અકળ કારણોસર આ બ્રિજના દાદરા ના સ્થાને એક સ્લોપ બનાવવામાં આવ્યો. થોડા દિવસમાં અહીંથી રીક્ષા, બાઈક તેમજ અન્ય વાહન ચાલવા માંડ્યા. પરિણામ સ્વરૂપ માલવણી માં અંદરના ભાગમાં રહેતા લોકો એવરશાઇન નગર થી થઈને પોતાના વાહનો વાળવા માંડ્યા. હાલ એવર શાઇન નગરના રસ્તાઓ પ્લાન મુજબ એટલા પહોળા નથી કે તે વધુ ભાર ને વહન કરી શકે. આથી અંદરના ભાગમાં રહેતા લોકોને પણ ટ્રાફિક નો ભોગ બનવું પડી રહ્યું છે.
સ્થાનિક રહેવાસી દીપકભાઈ મોદીએ જણાવ્યું કે આ રસ્તો ગેરકાયદેસર હોવાથી ગવર્મેન્ટ ઓથોરિટીએ તેને તોડવાનો આદેશ આપી દીધો છે. જ્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ તેને તોડવા માટે પહોંચી જાય છે ત્યારે પોલીસના અધિકારીઓ તેમને સુરક્ષા પૂરી પાડતા નથી. જેને કારણે સ્થાનિક લોકોની સમસ્યા વધી ગઈ છે.
આ સંદર્ભે સ્થાનિક નગરસેવિકા જયા તિવાના એ જણાવ્યું કે અમે પોલીસ વિભાગ તેમજ મહાનગરપાલિકામાં લખાણમાં ફરિયાદ કરી છે કે આ રસ્તાને તોડી નાખવામાં આવે. અહીં માત્ર ચાલવા માટેની એક કેડી જ ઉપલબ્ધ રાખી શકાય તેમ છે. તેમ છતાંય ગેરકાયદેસર રીતે રસ્તો બનાવવામાં આવ્યો છે. સ્થાનિક લોકોની ફરિયાદ છે કે આ રસ્તો બન્યા પછી એવર શાઇન નગરમાં ચોરીની ઘટનાઓ વધી ગઈ છે. જેનું પ્રમુખ કારણ એ છે કે ચોરી કર્યા બાદ પાછળના રસ્તેથી ચોર ભાગી ને માલવણી ના ગીચ વિસ્તારમાં જઈ શકે છે.
આમ મુંબઈ શહેરમાં જ્યાં એક તરફ રસ્તો નહીં બનવાની ફરિયાદ થી લોકો પરેશાન છે ત્યારે મલાડ વિસ્તારમાં એક ગેરકાયદેસર રસ્તો બનવા થી લોકો પરેશાન છે.