ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 ફેબ્રુઆરી 2021
ઉદ્ધવ ઠાકરે સાબિત કરી રહ્યા છે કે તેઓ એક ખંધા રાજકારણી છે. તેમના પિતાની માફક તેઓ સીધી અને સ્પષ્ટ વાત નથી કરતા પરંતુ રાજકારણના આટાપાટા ઓ તે ઘણી સારી રીતે જાણે છે.
હાલ મહારાષ્ટ્રમાં બે આત્મહત્યા પ્રકરણોએ છાપાઓને ગજાવ્યા છે. પહેલો આત્મહત્યા કેસ પૂનાની મોડેલ પૂજા ચૌહાણ સંદર્ભે નો છે જે મામલામાં મહારાષ્ટ્ર સરકારના વન મંત્રી સંજય રાઠોડ નું નામ સામે આવ્યું છે. આ સંદર્ભે ખૂબ ધમાલ મચી ગયા બાદ સંજય રાઠોડ એ પોતાનું રાજીનામું મુખ્યમંત્રીને સુપરત કર્યું છે. આ ઉપરાંત કોરોના ના તમામ નિયમો તોડીને તેણે શક્તિ પ્રદર્શન પણ કર્યું. તેમ છતાં ગત કેબિનેટ મીટિંગમાં આ સંદર્ભે કોઈ ચર્ચા સુદ્ધાં ન થઈ તેમ જ રાજીનામું સ્વીકારવામાં ન આવ્યું. આ ઉપરાંત સુસાઇડ મામલે અત્યાર સુધી એવા કોઈ પગલા લેવાયા નથી જેને કારણે મંત્રીની મુશ્કેલીઓ વધે. આ સંદર્ભે ભાજપના નેતાઓ આક્રમક છે.
બીજો સુસાઇડ કેસ સાંસદ મોહન ડેલકર નો છે. સાંસદ મોહન ડેલકરે આત્મહત્યાની ચિઠ્ઠી લખી છે જે સંદર્ભે ગૃહમંત્રીએ નિવેદન આપ્યું છે કે ઉંડાણથી તપાસ થશે. આ સુસાઇડ નોટમાં કોનું નામ છે તે સંદર્ભે માત્ર અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.જોકે તેમાં દિલ્હીના તેમજ સરકારી અધિકારીઓના નામ સામે આવે તેવી શક્યતા છે. આ સમગ્ર મામલે મહારાષ્ટ્ર સરકાર આક્રમક થઈ ગઈ છે અને ભાજપનું નાક દબાવવા નો પ્રયત્ન થઈ રહ્યો છે.
કુલ મળીને મહારાષ્ટ્રમાં બે આત્મહત્યા પ્રકરણ અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે પરંતુ મહારાષ્ટ્ર સરકારના નીતિ, નિયમ, ધોરણ અને તપાસ રાજનીતિ પ્રમાણે આગળ વધી રહ્યા છે.