ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
23 જાન્યુઆરી 2021
કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ પુરી થયા બાદ જૂન 2021માં થશે. સોનીયા ગાંધીના અધ્યક્ષતા હેઠળ કોંગ્રેસ કારોબારીની વર્ચ્યુઅલ મીટિંગમાં ગરમાગરમ દલીલબાજી બાદ આ અંગે નિર્ણય લેવાયો છે. પાર્ટીની બેઠકની શરૂઆતમાં, બંને પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી, જેમાં રાહુલ ગાંધીએ દખલ કરી હતી અને કહ્યું હતું કે, ‘મહેરબાની કરીને બધા માટે આ વધુ એક વખત…. ફરી આગળ વધો.’
કોંગ્રેસ કારોબારીની વર્ચ્યુઅલ મીટિંગની બેઠકમાં વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, મુકુલ વાસ્નિક અને પી ચિદમ્બરમે તાત્કાલિક સંસ્થાકીય ચૂંટણીઓ માટે જણાવ્યું હતું. તેઓ એવા કોંગ્રેસના નેતાઓમાં શામેલ છે જેમણે તાજેતરની મહિનાઓમાં ઘણી ચૂંટણીઓમાં હાર્યા બાદ પક્ષના નેતૃત્વ અને વહીવટ અંગે સવાલ ઊઠાવ્યા હતા. બેઠકમાં એક નેતાએ ટિપ્પણી કરી હતી કે આપણે ક્યા એજન્ડા પર કામ કરી રહ્યા છીએ? ભાજપ આપણી પાર્ટીની જેમ આંતરિક ચૂંટણીઓ અંગે વાત નથી કરતો? પ્રથમ પ્રાથમિક્તા રાજ્યની ચૂંટણીઓ પછી સંગઠનાત્મક ચૂંટણી લડવાની છે.
તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ 2019 ની લોકસભાની ચૂંટણીમાં હારની જવાબદારી લીધા પછી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી, સોનિયા ગાંધીએ ફરી એકવાર પાર્ટીના વચગાળાના પ્રમુખનું પદ સંભાળ્યું છે. તે સમયે રાહુલ ગાંધીએ રાજીનામાની સાથે સ્પષ્ટ કરી દીધું હતું કે હવે તેઓ આ પદ સંભાળશે નહીં, એવું પણ કહેવામાં આવતું હતું કે તેમણે પ્રિયંકા ગાંધીનું નામ પણ બાકાત રાખી કહ્યું હતું કે હવે ગાંધી પરિવારમાંથી કોઈ પાર્ટી અધ્યક્ષ નહીં બને પરંતુ તાજેતરના દિવસોમાં રાહુલ ગાંધીનું વલણ નરમ પડ્યું હતું અને ફરી અધ્યક્ષ બનવા તૈયાર થઈ ગયા હતા.
