ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
16 જાન્યુઆરી 2021
મુંબઈ ની લોકલ ટ્રેન એટલે જીવાદોરી. ધીમે ધીમે લોકલ ટ્રેનમાં મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. પરંતુ જરૂરી નથી કે આ લોકો ખૂબ જ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા હોય. જોકે મહિલા મુસાફરોને કારણે આ આંકડા વધ્યા જરૂર છે, પરંતુ તેમને મંજૂરી મળ્યાને હવે બે મહિના થઈ ગયા છે. એવા સમયે રેલવે પ્રશાસને નોંધ્યું છે કે, અચાનક લોકલ ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા દૈનિક 17 લાખ નજીક પહોંચી ગઈ છે. જે બતાવે છે કે જેટલાં લોકોને મંજુરી મળી છે તેના કરતા આ સંખ્યા ખૂબ વધારે છે. રેલવેએ આનું કારણ શોધવાના પ્રયત્નો કર્યા ત્યારે મોટું કૌભાંડ સામે આવ્યું છે.
રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા પકડાયેલા કેટલાક આરોપીના ફોન નંબર અને મેસેજની તપાસ કરતા જણાયું કે, આ લોકો મેસેજિંગ એપ દ્વારા લોકોનો સંપર્ક કરતાં હતા. અને સ્થાનિક મુસાફરી કરવા ઇચ્છતા લોકોને નકલી પાસ બનાવી આપતા હતા. આ માહિતીના આધારે પોલીસે 21 વર્ષીય આરોપીની ધરપકડ કરી હતી. તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 420, 465 અને 468 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
હાલ અનુમતિ આપેલા લોકો જ રેલવે દ્વારા મુસાફરી કરી શકે છે. નિર્ધારિત સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર સરકાર દ્વારા સૂચિત વર્ગો માટે 1201 વિશેષ ઉપનગરીય સેવાઓ કાર્યરત છે. નકલી રેલવે આઈડી નું કૌભાંડ સામે આવ્યા બાદ રેલ સુરક્ષા દળ લગાતાર લોકલ ટ્રેનોમાં મુસાફરી કરી રહયા છે. સાથે જ મહારાષ્ટ્ર સરકારે નક્કી કરેલા ધોરણોનું પાલન કરવા અને સોશિયલ પ્રોટોકોલનું પાલન કરવા લોકોને વિનંતી કરવામાં આવી રહી છે.
