ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
13 જાન્યુઆરી 2021
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન નવાબ મલિકના જમાઇ સમીર ખાનને સમન્સ પાઠવ્યું છે. તેની પાસેથી 200 કિલો ડ્રગ્સ કબજે કરવાના કેસમાં આ સમન્સ બહાર પાડવામાં આવ્યું છે. એનસીબી (NCB) એ એનસીપી નેતાના જમાઇ સમીર ખાનને મુંબઈના પ્રખ્યાત 'મુચ્છડ પાનવાલા' ના માલિક રામકુમાર તિવારીની ધરપકડ બાદ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે એનસીબી દ્વારા સમર ખાનને મંગળવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ સમન્સ મોકલવામાં આવ્યું. જે બાદ સમીર ખાન આજે પૂછપરછ માટે એનસીબી ઓફિસ પહોંચી ગયો છે. સૂત્રો કહે છે કે સમીર ખાનનું નામ બ્રિટીશ નાગરિક કરણ સજાનીના નિવેદનમાં આવ્યું છે અને ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાઈ છે. સમીર અને કરણ ઘણાં વર્ષોથી એક બીજાને ઓળખતા હતા.
એનસીબીનું કહેવું છે કે ગૂગલ પે દ્વારા કરણ અને સમીર ખાન વચ્ચે 20,000 રૂપિયાની લેવડદેવડ થઈ હતી. તપાસ એજન્સીએ સમીર ખાનને આની સત્યતા જાણવા માટે બોલાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સમીરખાનના લગ્ન નવાબ મલિકની પુત્રી નીલોફર સાથે થયા છે.
નોંધપાત્ર વાત એ છે કે ગયા અઠવાડિયે એક કેસમાં બ્રિટિશ નાગરિક કરણ સજાની સહિત ત્રણ લોકોને ખાર અને બાંદ્રા વિસ્તારમાંથી 200 કિલોગ્રામ માદક દ્રવ્યો સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ દરમિયાન મુંબઈના પ્રખ્યાત 'મુચ્છડ પાનવાળા' દુકાનના માલિક રામકુમાર તિવારીનું નામ બહાર આવ્યું હતું, જેની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.