ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
13 જાન્યુઆરી 2021
ચેટિંગ અને મેસેજિંગ એપ વોટ્સએપ દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. હાલ પોતાની સુરક્ષાને લઈને એટલી વગોવાઈ ગઈ છે કે તેણે અખબારના પાના ભરીને સ્પષ્ટતા કરવી પડી રહી છે.
ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ દ્વારા તેની નવી ગોપનીય નીતિને અપડેટ કરવામાં આવી ત્યારથી જ વપરાશકર્તાઓએ સુરક્ષાના પ્રશ્નો ઉભા કર્યા છે. જો કે, વોટ્સએપે હવે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે જે સેવાની નવી શરતો અને નીતિઓ અંગેની અફવાઓ અને અટકળો વિશે સ્પષ્ટ કરશે. વોટ્સએપે કહ્યું છે કે નવા અપડેટથી મિત્રો અથવા પરિવાર સાથેની યુઝર્સની ગોપનીયતાને કોઈ અસર થતી નથી.
નવી નીતિ ફક્ત વ્યવસાયિક એકાઉન્ટ્સ માટે છે. વોટ્સએપએ ટ્વિટ કર્યું છે કે વપરાશકર્તાઓની ચેટ્સ પહેલાની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનથી સંપૂર્ણ સુરક્ષિત છે. વોટ્સએપે ટ્વીટમાં કહ્યું, “અમે અફવાઓને 100 ટકા દૂર કરવા માંગીએ છીએ અને અમે તમારા ખાનગી સંદેશાઓને (Personal Massages) એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રાખીએ છીએ. ગોપનીયતા નીતિમાં અપડેટ્સથી તમારા મિત્રો અથવા પરિવાર સાથેની ચેટને કોઈ અસર નહીં થાય."
