ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
05 જાન્યુઆરી 2021
દેશમાં થોડા થોડા દિવસે કોઈને કોઈ જગ્યાએ કટ્ટરવાદી ઓ દ્વારા ધાર્મિક ભાવના દુભાવતી ઘટનાઓ જોવા મળે છે. એક દિવસ પહેલા એક હિન્દુવાદી સંગઠને તાજમહેલ સંકુલમાં ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. આ પછી પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.
તાજગંજના પોલીસ ઇન્સ્પેક્ટર ઉમેશચંદ્ર ત્રિપાઠીએ મીડિયા ને જણાવ્યું હતું કે સોમવારે એક કથિત હિન્દુવાદી સંગઠનના ચાર સભ્યોએ તાજમહેલ સંકુલમાં ભગવો ધ્વજ લહેરાવ્યો હતો. આ ઘટના બાદ સીઆઈએસએફ, ત્યાં સ્થિત અર્ધલશ્કરી દળના જવાનોએ ચારેયને પકડ્યા અને સ્થાનિક પોલીસને હવાલે કર્યા.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સંકુલની અંદર ચાર લોકો પહોંચ્યા હતા. ચારેય લોકો તાજમહલની સામેની બેંચ પર બેઠા અને પછી ખિસ્સામાંથી ભગવો ધ્વજ કાઢી શ્રી રામના નામના નારા લગાવવા લાગ્યાં હતાં.
આ લોકોને આવું કરતા જોઈને સુરક્ષામાં તહેનાત સુરક્ષાકર્મીઓએ તેમને પકડી લીધા હતા અને સ્થાનિક પોલીસના હવાલે કર્યા હતા. આ ચારે સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. 4 યુવકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.
તેણે જે વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો તે તુરંત જ વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે કેવી રીતે આ ચારે લોકો તાજમહેલમાં પ્રવેશ્યા અને ભગવો ધ્વજ લહેરાવ્યો અને હર હર મહાદેવ અને જય શ્રી રામના નારા લગાવ્યા. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા અને ઉન્માદ ઉશ્કેરવાના મામલે બધા સામે કેસ નોંધવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે ચારેય એક હિંદુ સંગઠન સાથે સંબંધિત છે.