ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
31 ડિસેમ્બર 2020
આજે પીએમ મોદીએ રાજકોટના ખંઢેરી નજીક નિર્માણ થનારી એઈમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યુ હતું. પ્રધાનમંત્રી મોદીએ ખાતમુહૂર્ત બાદ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.
એઇમ્સને લઇ પીએમ મોદીએ કહ્યું કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ દેશમાં માત્ર 6 નવી એઇમ્સ બની શકી છે. 2003 મા અટલજીની સરકારે 6 નવી એઇમ્સ બનાવવા પગલાં લીધા હતાં. જેને બનાવતાં બનાવતાં 2012 આવી ગયું, એટલે કે 9 વર્ષ થઈ ગયા. છેલ્લા 6 વર્ષમાં 10 નવી એઇમ્સ બનાવવા પર કામ થઈ ચુક્યું છે. એઇમ્સની સાથે દેશમાં 20 એઇમ્સ જેવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. એમ પણ પીએમ મોદીએ કહ્યું.
મોદીએ કહ્યું, મેડિકલ સેક્ટરમાં ગુજરાતની સફળતા પાછળ બે દાયકાનો અવિરત પ્રયાસ છે. છેલ્લા 6 વર્ષમાં સારવાર અને મેડિકલ એજ્યુકેશને લઈ જે સ્કેલ પર કામ થયું છે તેનો લાભ ગુજરાતને મળી રહ્યો છે. ગુજરાતમાં સંક્રમણને રોકવા અને હવે રસીકરણની તૈયારીઓને લઈ પ્રશંસનીય કામ થયું છે.
હવે આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે. સારવાર અને શિક્ષણ ઉપરાંત તેમાં રોજગારીના અનેક અવસર પેદા થશે. જેમાં અંદાજે 5000 જેટલી રોજગારી ઉભી થશે. કોરોનાની વેક્સિનને લઈ તેમણે જણાવ્યું, 2020માં સંક્રમણના કારણે નિરાશા હતી પણ 2021 નવી આશા લઈને આવી રહ્યું છે. અંતિમ તબક્કામાં વેકસિન માટે તૈયારીઓ ચાલુ છે.
ભારતે સમય પર યોગ્ય પગલા લીધા, જેના પરિણામે આજે દેશની 130 કરોડથી વધારે વસતીમાંથી 1 કરોડ લોકો આ બીમારી સામેની જંગ જીતી ગયા છે. ચાલુ વર્ષનો અંતિમ દિવસ ભારતના લાખો ડોક્ટર્સ, હેલ્થ વોરિયર્સ, સફાઈ કર્મી, દવાની દુકાનમાં કામ કરતાં તથા બીજા ફ્રન્ટ લાઇન વોરિયર્સને યાદ કરવાનો છે. એમ કહી તેમણે સંકટ સમયે દેશના લોકોની સેવા કરનારને ધન્યવાદ પાઠવ્યા હતાં..