ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
25 ડિસેમ્બર 2020
જયારથી ચીનના વુહાનથી કોરોના દુનિયા ભરમાં ફેલાયો છે ત્યારથી વિશ્વના ઘણા દેશો સાથે ચીનના સંબંધોમાં કડવાશ આવી છે. અમેરિકા સામે ટ્રેડ વૉર ઉપરાંત ભારત સાથે પણ લદાખમાં એલએસી પર ઘર્ષણમાં ચાલી રહ્યું છે. બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને જાપાન પણ ચીનને શંકાભરી નજરે જોય છે. આ કારણોથી ચીનની આયાત-નિકાસને અસર થઇ છે, જેના કારણે ચીનની હાલત વધુ ખરાબ થઇ છે.
આવા કારણોસર ચીન ખાદ્યાન્ન કટોકટીનો સામનો કરી રહયું છે. ખાદ્ય સંકટને પહોંચી વળવા ચીને અનોખુ ફરમાન જાહેર કર્યું છે. ચીનમાં હવે જમવાનું એઠું મૂકનારા લોકોને તેમ જ જે-તે રેસ્ટોરન્ટને દંડ ફટકારાશે. આ બધું ‘ઓપરેશન એમ્પ્ટી પ્લેટ’ હેઠળ કરાઇ રહ્યું છે, જેથી લોકો જેટલી ભૂખ હોય તેટલું જ ખાવાનું થાળીમાં લે.
પ્રસ્તાવિત નવા નિયમો મુજબ, પ્લેટમાં જમવાનું એઠું મૂકવા બદલ 10 હજાર યુઆન (અંદાજે 1.12 લાખ રૂ.) સુધીનો દંડ થઇ શકે છે. રેસ્ટોરન્ટને પણ જમવાનું એઠું મૂકનારા લોકોને દંડ ફટકારવાની સત્તા અપાશે. એક અનુમાન મુજબ લોકો દર વર્ષે એટલું જમવાનું બગાડે છે કે એટલા ભોજનથી 3થી 5 કરોડ લોકોને આખું વર્ષ ખવડાવી શકાય.
